લીલીયા-અમરેલી રોડ પર ગોકળગાયની ગતિએ ચાલતા બ્રિજ અને રોડના કામને કારણે બે દિવસમાં બે માનવ જિંદગીના ભોગ લેવાતા લોકોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર બાબતે સલડીના યુવા ભાજપ આગેવાન ધર્મેશ દેસાઈએ સાંસદ ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને ધગધગતો પત્ર પાઠવી જવાબદાર ગુનેગારો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. પત્રમાં જણાવ્યા મુજબ, કોન્ટ્રાક્ટર દ્વારા કામકાજ દરમિયાન તકેદારીના કોઈ પગલાં લેવામાં આવતા નથી કે મુસાફરોની સલામતીનું ધ્યાન રાખવામાં આવતું નથી. અમરેલી બાયપાસ પાસે બેરિકેટ અને ઇન્ડિકેટરના અભાવે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ ગત રાત્રે ૮ઃ૩૦ કલાકે સલડી રામકૃષ્ણ જીનીંગ પાસે ચાલી રહેલા બ્રિજના કામમાં લીલીયાના નિતીન ભુપતભાઈ પરમાર પડી જતા લોખંડનો સળિયો તેમના માથામાંથી આરપાર નીકળી ગયો હતો. ગામલોકોએ સળિયો કાપી તેમને ૧૦૮ મારફતે અમરેલી ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું.



































