જિલ્લાના કેરીયાનાગસ ગામે એક પરિણીતાને ઘરકામ અને રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે ગાળો આપી, શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ પાંચ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ વડીયાના નાજાપુર ગામે રહેતા દક્ષાબેન જયદીપભાઇ મેરીયા (ઉ.વ.૨૪)એ અમરેલીના કેરીયાનાગસ ગામે રહેતા પતિ જયદીપભાઇ નાનજીભાઇ મેરીયા, સસરા નાનજીભાઇ સામતભાઇ મેરીયા, સાસુ લાભુબેન નાનજીભાઇ મેરીયા, જેઠ હરેશભાઇ નાનજીભાઇ મેરીયા, જેઠાણી રેખાબેન હરેશભાઇ મેરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ગત તા.૧૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારે આશરે દસેક વાગ્યે જ્યારે તેઓ અને આરોપીઓ તેમના ઘરે હાજર હતા, ત્યારે આ વિવાદ સર્જાયો હતો. પતિએ ઘરના કામકાજ કરવા તથા રસોઈ બનાવવા બાબતે અચાનક ગાળો દેવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિણીતાએ ગાળો દેવાની ના પાડી અને વિરોધ કર્યો, ત્યારે તમામ પાંચેય આરોપીઓએ એકસંપ થઈને તેની સાથે ઝઘડો કર્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને પરિણીતાને કહ્યું હતું કે, “તારે અહીં રહેવાની જરૂર નથી, તું જતી રહે” તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પરિણીતાએ મદદ માટે પોતાના પિતાને બોલાવતા, સસરાએ તેના પિતા સાથે પણ અશોભનીય વર્તન કરી ગાળો આપી હતી. આમ, તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પરિણીતાને શારીરિક અને માનસિક દુઃખ-ત્રાસ આપી ગુનો આચર્યા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.