અમરેલી જિલ્લામાં જુગારની બદી સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજુલાના હિંડોરણા ગામમાં પોલીસે સફળ રેઇડ પાડી હતી. હિંડોરણા ગામે જાહેરમાં નસીબ અજમાવતા પાંચ શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્‌યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજુલા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે હિંડોરણા ગામે અજુનાથ માધુનાથ માંગરોળીયાના મકાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો એકઠા થઈ જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર અચાનક દરોડો પાડતા પાંચ ઇસમો અનિલનાથ ન્યાલનાથ માંગરોળીયા, રવિનાથ ભુપતનાથ માંગરોળીયા, મહેશનાથ બાબુનાથ પરમાર, અનિલનાથ સુનિલનાથ બાંભણીયા તથા રાયધનનાથ ઝવેરનાથ પરમાર જાહેરમાં ગોળ કુંડાળું વળી, ગંજીપતાના પાના અને પૈસા વડે હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી જુદા-જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂ. ૧૧,૪૦૦ રોકડા તથા ૫૨ નંગ ગંજીપતાના પાના જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કુલ રૂ. ૧૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી પાંચેય શખ્સો સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.