વડાપ્રધાન મોદી હાલમાં ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી રાજકોટથી સોમનાથ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન સોમનાથ હેલિપેડ ખાતે પહોંચ્યા હતા. આજથી પીએમ મોદી ૩ દિવસ ગુજરાત પ્રવાસે છે.મોદી સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લીધો હતો અને પીએમ મોદી રાત્રે સોમનાથ મંદિરમાં ડ્રોન શો નિહાળ્યો હતો જે બાદ રાત્રિ રોકાણ પણ સોમનાથમાં કર્યું છે
હેલિપેડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ વડા, મુખ્ય સચિવ એમ.કે. રાવ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સોમનાથ હેલિપેડથી પ્રધાનમંત્રીનો કાફલો સોમનાથ સર્કિટ હાઉસ તરફ રવાના થયો હતો.
પ્રધાનમંત્રી મોદી સોમનાથ સ્વાભિમાન પર્વ ૮થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સોમનાથમાં આયોજિત થઈ રહ્યો છે અને ઓમકાર મંત્રના જાપ પણ થશે. આ પર્વ ભારતના એ અસંખ્ય નાગરિકોની સ્મૃતિમાં યાદમાં મનાવવામાં આવી રહ્યો છે, જેમણે મંદિરની રક્ષા માટે બલિદાન આપ્યા છે અને જે આવનારી પેઢીની સાંસ્કૃતિક ચેતનાને પ્રેરણા આપશે. સોમનાથ મંદિરમાં ઓમકાર મંત્રનો જાપ ન ફક્ત ધાર્મિક આસ્થા સાથે જાડાયેલું છે, પણ ભારતીય સનાતન પરંપરામાં ધ્યાન અને સાધનાની ગાઢ રહસ્યને પણ દર્શાવે છે.
વડાપ્રધાન તા. ૧૧ જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જાડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.
આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં ૩૦૦૦ ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૧૦૮ અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.
વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં ૨,૫૦૦ ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને ૭૨ કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ ૧,૦૦૦ કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં ૨૦ જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જાડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાડાશે.
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત મંદિર પરિસર ખાતે દરરોજ રાત્રે આયોજિત થતી સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં ૯ જાન્યુઆરીની રાતે સાગર, સોમનાથ અને સંગીતનો અનોખો તથા અલૌકિક સમન્વય સર્જાયો હતો. સાગરની લહેરોની ગર્જના, સોમનાથ મહાદેવની પાવન હાજરી અને સંગીતની સુમધુર સૂરલહેરીઓએ સમગ્ર પરિસરને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઊર્જાથી ભરપૂર બનાવી દીધું હતું.
આ ભવ્ય સાંસ્કૃતિક સાંજમાં પ્રખ્યાત ગાયક કીર્તિ સાગઠીયા તથા લોકપ્રિય લોકગાયક કરશન સાગઠિયાની જાડીએ મહાદેવના ભાવસભર ભજનો, વિવિધ ગરબા અને લોકપ્રિય ગીતોની મનમોહક રજૂઆત કરી હતી. સંગીતના તાલ સાથે શ્રોતાઓ ઝૂમી ઉઠ્યા હતા અને દરેક રચનાએ ભક્તિ, સંસ્કૃતિ અને લોકભાવનાનો સંગમ સર્જ્યો હતો. સાથે જ કલાકાર હાર્દિક દવેએ શિવ સ્તુતિ, શિવ ભજન અને પાનબાઈના ભજનની રંગત જમાવી હતી, જેમાં એકતારાના સૂરે અલગ જ ભક્તિમય માહોલ બાંધ્યો હતો. કાર્યક્રમના અંતમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ લોક સાહિત્યના વિવિધ રસની શૈલીમાં રજૂઆત કરી હતી જેને ઉપસ્થિત સૌ કોઈએ મન ભરીને માણી હતી. રાજભા ગઢવીએ સોમનાથના ઐતિહાસિક પ્રસંગો રજૂ કર્યા હતા








































