શહેરના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓની અવગણના અને કામકાજમાં બેદરકારી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોવાની ઘટના પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાએ રાજ્ય સરકાર પર ગંભીર અને તીખો પ્રહાર કર્યો છે. ઇટાલીયાએ આ ઘટનાને ગુજરાતની શાસનવ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ દર્શાવતી ગણાવી અને કહ્યું કે આ ઘટના કોઈ નવી નથી, પરંતુ વર્ષોથી ચાલતી આવતી વ્યવસ્થાત્મક નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.
ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે, ગુજરાતમાં અગાઉ પણ અનેક ધારાસભ્યોએ અધિકારીઓ સાંભળતા નથી તેવી ફરિયાદો કરી છે. સુરત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના ધારાસભ્યો આ મુદ્દે ખુલ્લેઆમ રજૂઆતો કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે જ્યારે મામલતદાર સ્તરે વાત ન સાંભળવામાં આવે અને સચિવ સ્તર સુધી પણ ફરિયાદો પહોંચી ન શકે, ત્યારે સ્પષ્ટ થાય છે કે સમગ્ર વહીવટી તંત્ર જન પ્રતિનિધિઓની પકડ બહાર જઈ ચૂકયું છે.
ઇટાલીયાએ કટાક્ષ કરતા કહ્યું, “જા ધારાસભ્યને પોતાની વાત સાંભળાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવો પડે, તો મુખ્યમંત્રી પછી કોને પત્ર લખશે?” તેમણે વધુમાં ઉમેર્યું કે વાસ્તવિકતા એવી છે કે મુખ્યમંત્રી પોતે પણ આવી જ સ્થિતિમાં છે અને અધિકારીઓ પર તેમનો પણ પૂરતો નિયંત્રણ રહ્યો નથી.આગળ બોલતાં ગોપાલ ઇટાલીયાએ રાજ્ય સરકારને સંપૂર્ણ રીતે “ડામાડોળ” ગણાવી.
તેમણે કહ્યું કે સરકારમાં કોઈ માલિક નથી, શાસન ભગવાન ભરોસે ચાલી રહ્યું છે. નિર્ણય પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે અને અધિકારીઓ મનમાની રીતે કામ કરી રહ્યા છે. આ કારણે જનતાની સમસ્યાઓનો ઉકેલ થતો નથી અને અંતે ધારાસભ્યોને જ ફરી ફરી ધ્યાન દોરવું પડે છે.ઇટાલીયાએ ભાજપ સરકાર પર સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે ભાજપના ધારાસભ્યોને જ અધિકારીઓ ન સાંભળતા હોય, તો સામાન્ય જનતાની હાલત શું હશે તેની કલ્પના કરી શકાય. તેમણે કહ્યું કે જનતા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જા લાચાર બની જાય, તો લોકશાહીના મૂળ સ્તંભોને ગંભીર ખતરો ઊભો થાય છે.
આ સમગ્ર ઘટનાને લઇ ગોપાલ ઇટાલીયાએ સરકારને આત્મમંથન કરવાની સલાહ આપી અને કહ્યું કે જા સમયસર વ્યવસ્થામાં સુધારા નહીં થાય, તો આવનારા દિવસોમાં જનઆક્રોશ વધુ તીવ્ર બનશે. તેમણે અંતમાં કહ્યું કે આમ આદમી પાર્ટી આવા મુદ્દાઓને સતત ઉજાગર કરતી રહેશે અને જનતાના હક માટે અવાજ ઉઠાવતી રહેશે.