અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા ભંગનો એક મામલો પ્રકાશમાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ચોક્કસ સમુદાયના એક વ્યક્તિએ રામ મંદિર સંકુલમાં નમાઝ પઢવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેને રોકવામાં આવ્યો ત્યારે તેણે ચોક્કસ સંપ્રદાયના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા. ઘટનાસ્થળે હાજર સુરક્ષા દળોએ તે વ્યક્તિને અટકાયતમાં લીધો છે. માહિતી અનુસાર, તે વ્યક્તિ ગેટ ડી૧ દ્વારા રામ મંદિરમાં પ્રવેશ્યો હતો. સૂત્રોનું કહેવું છે કે તે વ્યક્તિ મંદિરમાં પ્રાર્થના કર્યા પછી સીતા રસોઇ પાસે નમાઝ પઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સુરક્ષા એજન્સીઓ આરોપીની પૂછપરછ કરી રહી છે.
આરોપી પાસેથી કેટલાક સૂકા ફળો અને ૨,૭૦૦ રૂપિયા મળી આવ્યા છે. તેની પાસેથી અનેક ફોન નંબરોવાળી ડાયરી મળી આવી છે આઇબીની એક વિશેષ ટીમ આરોપીની પૂછપરછ કરી રહી છે. કાશ્મીર પોલીસ પાસેથી પણ માહિતી માંગવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તે વ્યક્તિ દક્ષિણ દિવાલ પર નમાઝ પઢતો હતો. આ ઘટના આજે સવારે બની હોવાનું જાણવા મળે છે.
માહિતી અનુસાર, આરોપી કાશ્મીરનો રહેવાસી છે, જેની ઓળખ અહેમદ શેખ તરીકે થઈ છે. તે જમ્મુ અને કાશ્મીરના શોપિયાનો રહેવાસી છે. તે દક્ષિણ દિવાલ વિસ્તારમાં સીતા રસોઇ પાસે કથિત રીતે નમાઝ પઢતો હતો. સુરક્ષા એજન્સીઓએ તેની અટકાયત કરી છે અને તેની પૂછપરછ કરી રહી છે. પોલીસ આ કેસની તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીની મુલાકાતના કારણો અને તેના ઇરાદા હજુ સુધી બહાર આવ્યા નથી.
દરમિયાન, અયોધ્યા વહીવટીતંત્રે રામ મંદિરના ૧૫ કિલોમીટરના ત્રિજ્યામાં માંસાહારી ખોરાકની ડિલિવરી પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે ફરિયાદો મળી હતી કે ફૂડ ડિલિવરી કંપનીઓ ‘પંચ કોસી પરિક્રમા’ વિસ્તારમાં આવતા અયોધ્યા શહેરની આસપાસના વિસ્તારમાં માંસાહારી ખોરાક સપ્લાય કરી રહી છે. અયોધ્યા શહેરમાં હોટલ અને હોમસ્ટેને પણ ચેતવણી આપવામાં આવી છે જે કથિત રીતે તેમના મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પીરસતી હતી. અયોધ્યાના સહાયક ખાદ્ય કમિશનર માણિક ચંદ્ર સિંહે જણાવ્યું હતું કે તેમને ફરિયાદો મળી છે કે, અગાઉના પ્રતિબંધ છતાં, ઓનલાઈન ઓર્ડર દ્વારા પ્રવાસીઓને માંસાહારી ખોરાક પીરસવામાં આવી રહ્યો હતો. આ પછી, ઓનલાઈન માંસાહારી ડિલિવરી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.







































