અમરેલી શહેરના ચક્કરગઢ રોડ પર વર્ષોથી માથાના દુઃખાવા સમાન રહેલી ટ્રાફિક સમસ્યાનો આખરે અંત આવ્યો છે. રેલવે ફાટકને સ્થાને નવનિર્મિત ડબલ અંડરબ્રિજનું લોકાર્પણ આજે સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ, સ્કૂલ અને ભારે વાહન વ્યવહારને ધ્યાનમાં રાખીને, અહીં એકના બદલે બે અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે. સ્થાનિક આગેવાનો અને નાગરિકોની રજૂઆતો બાદ સાંસદ ભરતભાઈ સુતરીયાએ દિલ્હી સુધી રજૂઆત કરીને આ પ્રોજેક્ટની મંજૂરી અપાવી હતી. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, મહામંત્રી મેહુલ ધોરાજીયા સહિત નગરપાલિકાની ટીમ ઉપસ્થિત રહી હતી. ડબલ અંડરબ્રિજ શરૂ થતાં વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે. સમસ્યાનો ઉકેલ આવતા સ્થાનિક લોકોએ સાંસદ ભરતભાઈ સુતરીયાનું સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો.