બાબરા તાલુકાના ચરખા ગામની સીમમાં આવેલી લાખોની કિંમતની ખેતીની જમીન પર અનધિકૃત રીતે કબજો કરી, તેમાં પાક લઈને આર્થિક લાભ મેળવવા બદલ બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે રાજકોટમાં રહેતા પ્રકાશભાઇ ગોવિંદભાઇ મિયાત્રા (ઉ.વ.૪૭) એ હાલ સુરતમાં રહેતા મૂળ ચરખા ગામના રમેશભાઇ ભીમજીભાઇ કાનાણી તથા દિનેશભાઇ ભીમજીભાઇ કાનાણી સામે ફરિયાદ નોંધાવી હતી.
જમીનની જંત્રી મુજબ આશરે ૭,૨૦,૦૦૦ રૂપિયાની કિંમત ધરાવતી આ ખેતીની જમીન પર આરોપીઓએ કોઈપણ કાયદેસરની પરવાનગી વગર અનધિકૃત કબજો જમાવી દીધો હતો. આરોપીઓએ માત્ર જમીન પચાવી પાડી એટલું જ નહીં, પરંતુ તેમાં ખેતીનો પાક લઈ તેમાંથી આર્થિક લાભ પણ મેળવ્યો હતો. જમીન હડપ કરી જવાની આ
પ્રવૃત્તિ સામે ફરિયાદ થતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવા (લેન્ડ ગ્રેબિંગ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.







































