અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડીયાથી રાજકોટ તરફ જતા વડીયા-બાટવાદેવળી રોડના નવીનીકરણની કામગીરીનો મંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલા આ રોડ માટે સ્થાનિક લોકોની અનેક રજૂઆતો અને નેતાઓના વચનો બાદ આખરે મુહૂર્ત આવતા લોકોમાં રાહત ફેલાઈ છે. તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મરના જણાવ્યા અનુસાર, આ રોડની કામગીરીમાં કોઈ ભ્રષ્ટાચાર ન થાય તે માટે સ્થાનિક આગેવાનો સતત દેખરેખ રાખશે. આ રોડ બનવાથી રાજકોટ તરફ જતા વાહનચાલકો અને રાહદારીઓની વર્ષો જૂની હાલાકીનો અંત આવશે. આ કાર્યક્રમમાં મંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમ હિરપરા, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુમ્મર, સરપંચ મનીષ ઢોલરીયા, ચેતન દાફડા, ગજેન્દ્ર પટોળીયા અને અનિરુદ્ધ બોરીચા સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.