અમદાવાદઃ શહેરના એક જાણીતા બિલ્ડર સાથે હનિટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં આરોપી યુવતીએ મીઠી મીઠી વાતો કર્યા બાદ મિત્રતા કેળવીને ભોગ બનનાર બિલ્ડરને ફસાવ્યો હતો અને બાદમાં પ્રિ-પ્લાનિંગ મુજબ બિલ્ડરને ઘરે બોલાવી ઘરમાં સ્પાય કેમેરા ગોઠવી અંગત પળો કેમેરામાં કેદ કરી તેને વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૧૦ કરોડની માંગણી કરી હતી. જોકે સમગ્ર મામલો સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં હની ટ્રેપ અને બ્લેકમેલિંગના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને આ મામલે હાલ બિલ્ડરને ફસાવનાર યુવતી સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને શહેરના એક નામચીન બિલ્ડર તરફથી પોતે હની ટ્રેપમાં ફસાયા હોવાની ફરિયાદ મળી હતી. જે ફરિયાદની વિગતો અનુસાર, સુનિતા ઉર્ફે હેની રાજપૂત નામની યુવતીએ સૌ પ્રથમ આ ફરિયાદી બિલ્ડર સાથે મિત્રતા કેળવી હતી અને બાદમાં આ હેનીએ અન્ય એક યુવતીની સાથે બિલ્ડરની ઓળખ કરાવી આશરે ૬ મહિના પહેલા આ આખો ખેલ રચ્યો હતો.
હેનીએ પોતાના પ્લાનિંગ મુજબ, બિલ્ડર અને પેલી યુવતીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને ઘરમાં અગાઉથી જ ગોઠવેલા સ્પાય કેમેરામાં આ બિલ્ડર અને યુવતી વચ્ચેની અંગત પળોને કેમેરામાં કેદ કરી હતી. બાદમાં હેનીએ આ વીડિયો અશ્વીન ચૌહાણ નામના શખ્સને બતાવી તેને આખા ખેલમાં સામેલ કર્યો હતો.
બાદમાં આ અશ્વીન ચૌહાણે બિલ્ડરને વીડિયો મોકલી તેને સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં વાયરલ કરવાની ધમકી આપી રૂ. ૧૦ કરોડની માંગણી કરી હતી. જોકે લાંબી રકઝક બાદ આ ડીલ રૂ. ૭ કરોડ સુધી પહોંચી હતી. અંતે બિલ્ડરે નમતું જોખવાને બદલે સાયબર ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. બાદમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને અશ્વીન ચૌહાણ તથા સુનિતા ઉર્ફે હેની રાજપૂત નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર કેસની વધુ તપાસ હાથ ધરી ત્યારે ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે કે આરોપી અશ્વીન ચૌહાણ અન્ય કોઈ નહીં પણ એનસીપીનો પ્રદેશ ઉપપ્રમુખ છે, સાથે તે એક સાપ્તાહિક સમાચાર પત્રના તંત્રી પણ છે. આટલું જ નહીં આ સમગ્ર કેસમાં સુનિતા ઉર્ફે હેની રાજપૂતનો અન્ય એક મિત્ર પ્રેમજીત સિંઘ ગિલ પણ સામે હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર, એનસીપી પ્રદેશ ઉપપ્રમુખ અશ્વીન ચૌહાણ, સુનિતા ઉર્ફે હેની રાજપૂત, હેનીનો મિત્ર પ્રેમજીત સિંઘ ગિલ અને અન્ય એક યુવતી એમ આ ચાર લોકોએ ભેગા મળીને બિલ્ડરને બ્લેકમેલ કરી કરોડો રૂપિયા પડાવવાનું કાવતરું રચ્યું હતું. જે અંગેની તપાસમાં સામે આવ્યું છે કે હેની રાજપૂત અને તેનો મિત્ર પ્રેમજીત સિંઘ ગિલ ઉર્ફે બન્ની (જે હાલ ફરાર છે) રીઢા ગુનેગાર છે.
વર્ષ ૨૦૨૦માં આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમની સામે નકલી પોલીસ બનીને લોકોને ધમકાવવાનો ગુનો પણ નોંધાયેલો છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ ફરાર પ્રેમજીત સિંઘ ગિલ તથા અન્ય એક ફરાર યુવતીને શોધવાની તજવીજ હાથ ધરી છે. જેથી મામલે આગામી સમયમાં ચોંકાવનારા તથ્યો બહાર આવે તો નવાઈ નહીં!





































