ગુજરાત જાણે અખાદ્ય મીઠાઈઓનું ભંડાર બની ગયુ લાગે છે. ગુજરાતમાં અને તેમા પણ ખાસ કરીને વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અચાનક જ શું જ્ઞાન લાદ્યુ કે તેણે તેના ઇતિહાસમાં કદાચ પહેલીં વખત તહેવારો સિવાય દરોડા પાડ્યા.

આશ્ચર્યની વાત તો એ હતી કે ફૂડ ટીમ ગઈ હતી પાણીપુરી સંલગ્ન વસ્તુઓના દરોડા પાડવા અને તેને મોટા પ્રમાણમાં અખાદ્ય મીઠાઈનો જથ્થો મળી આવ્યો. આટલા મોટા પ્રમાણમાં અખાદ્ય મીઠાઇનો જથ્થો મળી આવતા વડોદરા ફૂડ વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.

વડોદરા કોર્પોરેશનની ફૂડ વિભાગની ટુકડી ખોડિયારનગર તપાસ માટે ગઈ ત્યારે તેમણે લવલી સ્વીટ્‌સના વેરહાઉસ પર દરોડા પાડ્યા. તપાસ દરમિયાન, વેરહાઉસમાં સંગ્રહિત અખાદ્ય અને વાસી મીઠાઈનો મોટો જથ્થો જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા. આ દરોડામાં કુલ ૧૩,૨૦૦ કિલોગ્રામ અખાદ્ય મીઠાઈ મળી આવી હતી, જેના કારણે શહેરના ખાદ્ય બજારમાં ગભરાટ ફેલાયો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહેલા આ વેપારીઓ પ્રત્યે તંત્રએ આંખ આડા કાન કર્યા છે.

વડોદરા કોર્પોરેશનની ફૂડ બ્રાન્ચ ટીમ દ્વારા જપ્ત કરાયેલા જથ્થાનું વિભાજન નીચે મુજબ છે, જેની કિંમત આશરે ?૭.૦ લાખ છે. જેમાં ૮,૦૦૦ કિલો પેડા, ૨,૫૦૦  કિલો બરફી, ૭૦૦ કિલો કાજુ કતરી, ૭૦૦ કિલો લાડુ અને ૧,૩૦૦ કિલો અન્ય મીઠાઈઓ જપ્ત કરવામાં આવી હતી. મળી આવેલી મીઠાઈઓનો વિશાળ જથ્થો નિકાલ કરવો પણ તંત્ર માટે એક પડકાર હતો. વડોદરા કોર્પોરેશનની ફૂડ શાખાની ટીમને આ વિશાળ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં ૧૦ કલાક લાગ્યા. બધી બગડેલી મીઠાઈઓને ટ્રેક્ટરમાં ભરીને જાંબુઆ લેન્ડફિલ સાઇટ પર લઈ જવામાં આવી હતી, જ્યાં જેસીબીની મદદથી ખાડો ખોદીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો.