બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ઓરીએ માથું ઊંચકતા આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. ડિસેમ્બર મહિનામાં લેવાયેલા સેમ્પલ્સના રિપોર્ટ આવતા જ તંત્રની ઊંઘ ઊડી ગઈ છે, જેમાં ૩૪ શંકાસ્પદ કેસોમાંથી ૯ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિને જાતા ગાંધીનગરથી આરોગ્ય કમિશનર તાકીદે ધાનેરા પહોંચ્યા છે.
ઓરીની સ્થિતિની સમીક્ષા કરવા માટે આરોગ્ય કમિશનરે જિલ્લા આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સાથે હાઈ-લેવલ બેઠક યોજી હતી. તેમણે પોતે સ્થિતિની ગંભીરતા માપી છે અને રોગચાળાને વધુ ફેલાતો અટકાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી છે. આ બીમારી બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે.
ઓરીના સંક્રમણને કાબૂમાં લેવા માટે આરોગ્ય કમિશનરે સમગ્ર તાલુકામાં યુદ્ધના ધોરણે રસીકરણ કરવાના આદેશ આપ્યા છે. ખાસ કરીને જે ગામોમાં પોઝિટિવ કેસ મળી આવ્યા છે, ત્યાં આરોગ્યની વિશેષ ટીમો દ્વારા ‘ડોર-ટુ-ડોર’ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગનું લક્ષ્ય છે કે ધાનેરાનું એક પણ બાળક રસીકરણથી વંચિત ન રહે.
આરોગ્ય કમિશનરે મીટિંગ દરમિયાન જણાવ્યું હતું કે, ઓરી એક ચેપી રોગ છે અને તે બાળકોમાં ઝડપથી ફેલાય છે. આથી વાલીઓએ પણ જાગૃત રહીને પોતાના બાળકોને સમયસર રસી અપાવવી જોઈએ. જો બાળકના શરીર પર લાલ ચકામાં, તાવ કે શરદી જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
રસીકરણ સૌથી મોટું હથિયારઃ તમારા બાળકને ઓરી-રૂબેલા ની રસી સમયસર અપાવો. જા કોઈ ડોઝ બાકી હોય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
લક્ષણો પર નજર રાખોઃ જા બાળકને તીવ્ર તાવ, આંખો લાલ થવી, ખાંસી કે શરીર પર લાલ ચકામા દેખાય, તો તેને સામાન્ય ગણીને અવગણશો નહીં.
બાળકને આઈસોલેટ કરોઃ જો કોઈ બાળકમાં ઓરીના લક્ષણો જણાય, તો તેને અન્ય બાળકોથી અલગ રાખવું જોઈએ, કારણ કે આ એક ચેપી રોગ છે.
સ્વચ્છતા જાળવોઃ બાળકની આસપાસ સફાઈ રાખો અને તેમને પૌષ્ટિક આહાર તેમજ પૂરતા પ્રમાણમાં પ્રવાહી આપો.
ડોક્ટરની સલાહઃ ઘરેલુ ઉપચાર કરવાને બદલે તાત્કાલિક સરકારી હોસ્પિટલ કે માન્ય ડોક્ટરની સલાહ મુજબ સારવાર શરૂ કરો.