ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસનો આંકડો ૧૬૭ ને પાર પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ટાઈફોઈડના ગાંધીનગરમાં નવા ૧૪ કેસ નોંધાયા છે. પરંતું આ વચ્ચે ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, ટાઈફોઈડના વધતા કેસને લઈને ગુજરાત સરકારને માનવાધિકાર પંચે નોટિસ ફટકારી છે. સાથે જ આ અંગે મુખ્ય સચિવ પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.
ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઈફોઈડના કેસમાં રાફડો ફાટ્યો છે. જેને લઈને હવે માનવાધિકાર પંચ એક્શનમાં આવ્યું છે. માનવાધિકાર પંચ ગુજરાત સરકાર પાસેથી બે અઠવાડિયામાં આ વિશે ખુલાસો માંગ્યો છે. માનવાધિકાર પંચે સ્વત આ બાબતની નોધ ૪ જાન્યુઆરીના રોજ લીધી હતી. જેના બાદ ગુજરાતના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે. જેમાં બે અઠવાડિયામાં વિગતવાર માહિતી આપતો અહેવાલ માંગ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યું કે, માનવાધિકાર પંચે ગાંધીનગરમાં હાલ ટાઈફોઈડને લઈને શું સ્થિતિ છે તે જાણી છે, તેમજ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે શું પગલા લેવામા આવશે તેની માહિતી માંગી છે.
લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે ટાઈફોઈડના કેસનો આંક ૧૬૭ પર પહોંચ્યો છે. ટાઈફોઈડના ગાંધીનગરમાં નવા ૧૪ કેસ નોંધાયા છે. ટાઈફોઈડના ૧૮ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
ગાંધીનગરનાના પીંડારડાના ગામમાં કોંગોનો પ્રથમ કેસ સામે આવ્યો છે. પીંડારડાના રહેવાસીને કોંગો ફીવર પોઝિટીવ આવતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ પીંડારડા ગામમાં આરોગ્યની બે ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. તો બીજી તરફ, કોંગોની એન્ટ્રીથી પશુપાલન વિભાગ પણ સતર્ક થયું છે. કારણ કે, કોંગો એ પ્રાણીથી ફેલાતી બીમારી છે. ત્યારે ગાંધીનગરમાં સર્વેલન્સ, દવાના છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે.








































