એઆઇએમઆઇએમ પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) કાયદાની કડક જાગવાઈઓ માટે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે યુએપીએમાં સુધારો કરવામાં કોંગ્રેસની કથિત ભૂમિકાની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પી. ચિદમ્બરમ કેન્દ્રીય ગૃહમંત્રી હતા, ત્યારે કોંગ્રેસે યુએપીએ માં સુધારો કર્યો હતો. આ જ કારણ છે કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામ સહિત ઘણા અન્ડરટ્રાયલ કેદીઓને લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવી રહ્યા છે.
ધૂલેમાં એક કાર્યક્રમમાં બોલતા, અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “સુપ્રીમ કોર્ટે બે અન્ડરટ્રાયલ કેદીઓને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો અને ઇનકારના કારણો સમજાવ્યા હતા. કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર દરમિયાન યુએપીએમાં સુધારો કરવામાં આવ્યો હતો, અને તેમાં આતંકવાદની વ્યાખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.”
ઓવૈસીએ કહ્યું કે ઉમર ખાલિદ અને શરજીલ ઇમામને જામીન આપવાનો ઇનકાર કરવાના કારણો તે જ છે જે તેમણે પોતે લોકસભાના ભાષણમાં જણાવ્યું હતું. યુએપીએની કલમ ૪૩ડીનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, “તે ચાર્જશીટ વિના ૧૮૦ દિવસ સુધી અટકાયતની મંજૂરી આપે છે.” આ હેઠળ, લઘુમતીઓને મહત્તમ દિવસો સુધી જેલમાં રાખવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં કહ્યું, “મેં કહ્યું હતું કે જમીની વાસ્તવિકતા એ છે કે સત્ય અને અપેક્ષા વચ્ચે ઘણો ફરક છે. ગણવેશ પહેરેલો માણસ નફરત રાખે છે. મુસ્લિમ લઘુમતીઓના મતે, આ એક હકીકત છે. હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે તેમને ૧૮૦ દિવસ માટે અટકાયતમાં રાખવામાં આવશે.”
ઉલ્લેખનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટે ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામની જામીન અરજીઓ ફગાવી દીધા બાદ ઓવૈસીનું આ નિવેદન આવ્યું છે. આ કેસ ૨૦૨૦ના દિલ્હી રમખાણોના કાવતરા સાથે સંબંધિત છે. જાકે, સુપ્રીમ કોર્ટે મીરાન હૈદર, ગુલ્ફીશા ફાતિમા, શિફા ઉર રહેમાન, શાદાબ અહેમદ અને મોહમ્મદ સલીમ ખાનને જામીન આપ્યા છે.