જ્યારે પસંદગીકારોએ ન્યુઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી કરી, ત્યારે શ્રેયસ ઐયરને ટીમમાં એ શરત સાથે સામેલ કરવામાં આવ્યો કે તેને સેન્ટર ઓફ એક્સેલન્સ પાસેથી મંજૂરી મેળવવી પડશે. હવે, ભારતીય ટીમ માટે એક સારા સમાચાર છે કારણ કે તેને ફિટ થવાનો સંકેત મળી ગયો છે. તેણે વિજય હજારે ટ્રોફીમાં રમીને પોતાની ફિટનેસ સાબિત કરી છે અને મુંબઈની કેપ્ટનશીપ પણ સંભાળી છે. તે હવે ૯ જાન્યુઆરી સુધીમાં ભારતીય ટીમમાં જાડાશે. પરિણામે, સિદ્ધેશ લાડને વિજય હજારે ટ્રોફીમાં મુંબઈની કમાન સોંપવામાં આવી છે.
મુંબઈ ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીના નોકઆઉટ રાઉન્ડમાં પહોંચી ગયું છે. હવે, સિદ્ધેશ લાડ કેપ્ટનશીપ સંભાળશે. તે અનુભવનો ભંડાર લાવે છે, જે મુંબઈ માટે ફાયદાકારક હોઈ શકે છે. તે વર્તમાન સિઝનમાં મુંબઈનો ત્રીજા કેપ્ટન હશે. તેમના પહેલા શાર્દુલ ઠાકુર અને શ્રેયસ ઐયરે ટીમની કેપ્ટનશીપ કરી છે.
શાર્દુલ ઠાકુર હાલમાં ઈજાગ્રસ્ત છે અને શ્રેયસ ઐયર ભારતીય ટીમ સાથે જાડાશે. આ કારણે, તેમને વિજય હજારે ટ્રોફી મેચો ગુમાવવી પડી છે. મુંબઈ ૧૨ જાન્યુઆરીએ કર્ણાટક સામે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ટકરાશે. આ મેચ બેંગલુરુમાં બીસીસીઆઇ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાશે.
શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી. ત્યારબાદ તેને આંતરિક રક્તસ્રાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ ફિટનેસના અભાવે તે દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તે વિજય હજારે ટ્રોફીમાં બે મેચ રમીને પાછો ફર્યો. તેણે આ બે મેચોમાં ૮૨ અને ૪૫ રન બનાવ્યા.