લીલીયા તાલુકા માલધારી સંગઠન દ્વારા વિવિધ માંગણીઓ સાથે ગુરૂવારે લીલીયા મામલતદાર કચેરી તથા પાલીતાણા વન્ય પ્રાણી ડિવિઝનની લીલીયા રેન્જ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. માલધારીઓએ રજૂઆતમાં સિંહ, દીપડો સહિતના વન્ય પ્રાણીઓ દ્વારા પશુઓના મારણના કિસ્સામાં પૂરતું અને સમયસર વળતર ચૂકવવાની માંગ કરી હતી. સાથે જ તાલુકાના વિવિધ ગામોમાં ગૌચર જમીનમાં થયેલા દબાણ દૂર કરવા તેમજ ગૌચરની જમીનમાંથી થતી માટીચોરી બંધ કરાવી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. માલધારી આગેવાનો દ્વારા સરકારને વળતરની રકમમાં વધારો કરવાની માંગ કરાઈ હતી. આ અંગે વન વિભાગના અધિકારી આર.એફ.ઓ બી.જી. ગલાણીએ જણાવ્યું હતું કે પશુના મારણની જાણ થતા તાત્કાલિક કાર્યવાહી કરી સરકારના નિયમો મુજબ પૂરતું વળતર આપવામાં આવે છે.







































