અમરેલીમાં લીલીયા રોડ પર નિર્માણાધીન અંડરબ્રિજની કરૂણાંતિકા સામે આવી છે. મધરાતે એક્ટિવા પર સવાર ત્રણ લોકો પાણી ભરેલા ખાડામાં ખાબક્યા હતા, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આશીભાઈ સતારભાઈ સેલોત મોડી રાત્રે બે મહિલાઓ સાથે એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. ફાયર વિભાગને જાણ થતાં જ જવાનોએ કડકડતી ઠંડીમાં ત્રણેયનું રેસ્ક્યૂ કરી સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડ્‌યા હતા. સારવાર દરમિયાન આશીભાઈ સેલોતનું મોત નિપજ્યું છે, જ્યારે ઇજાગ્રસ્ત બંને મહિલાઓની હાલત ગંભીર છે અને તેઓ સારવાર હેઠળ છે. આ ઘટના અંગે અમરેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિર્માણાધીન સ્થળે સુરક્ષાના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું છે.