લીલીયા મોટા ખાતે આવેલા જલધારા સેવા ટ્રસ્ટ દ્વારા સ્થાનિક જળસ્ત્રોતોની સુરક્ષા અને જળસંચયની ક્ષમતા જાળવી રાખવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઈ ધામત દ્વારા પાઠવવામાં આવેલા પત્રમાં ગામના મહત્વના સરોવરોના વેસ્ટ વિયરની તાકીદે મરામત કરવાની માંગ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, લીલીયામાં આવેલા નીલકંઠ સરોવર, ગાયત્રી સરોવર અને શ્યામ સરોવરના ચેકડેમ નાની સિંચાઈ અને ૬૦-૪૦ની યોજના હેઠળ વિકસાવવામાં આવ્યા છે. આ બંધારા ઘણા વર્ષો જૂના છે અને તેમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ખૂબ જ વિશાળ છે. જોકે, લાંબા સમયથી મરામતના અભાવે આ સરોવરોના વેસ્ટ વિયર (વધારાના પાણીના નિકાલ માટેની જગ્યા) અત્યંત જર્જરિત હાલતમાં છે. ચોમાસું શરૂ થાય તે પહેલા જો રિપેરીંગ થઈ જાય તો ગામનો પાણીનો સ્ત્રોત સુરક્ષિત રહે અને ભવિષ્યની મુશ્કેલીઓ ટાળી શકાય.






































