સુરતના બહુચર્ચિત બિટકોઈન ખંડણી કેસમાં એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે તેમને ૫૦,૦૦૦ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન આપવાનો આદેશ કર્યો છે.
વર્ષ ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી કરોડોની કિંમતના ૧૭૬ બિટકોઈન બળજબરીથી ટ્રાન્સફર કરાવવાનો અને ૩૨ કરોડની ખંડણી માંગવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. આ ગુનામાં પોલીસ અધિકારીઓ સહિત કુલ ૧૪ શખ્સો સામેલ હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાનું નામ પણ મુખ્ય આરોપી તરીકે ખુલ્યું હતું.
અમદાવાદની સ્પેશિયલ એસીબી કોર્ટે આ કેસમાં પુરાવાઓ અને સાક્ષીઓને આધારે નલિન કોટડિયા સહિત તમામ ૧૪ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આ તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ ચુકાદા બાદ નલિન કોટડિયા જેલવાસ ભોગવી રહ્યા હતા.
એસીબી કોર્ટના ચુકાદાને તમામ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને સાથે જ જામીન મેળવવા માટે અરજી કરી હતી. આ મામલે સુનાવણી દરમિયાન અગાઉ હાઈકોર્ટે ઉપરી અધિકારીઓના આદેશ હેઠળ કામ કરનારા ૯ પોલીસ કોન્સ્ટેબલોને જામીન આપ્યા હતા. ત્યારબાદ ૮ જેટલા અન્ય પોલીસ કર્મચારીઓને પણ જામીન મળી ચૂક્યા છે.
હવે, પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની જામીન અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે તેમને રાહત આપી છે અને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. જામીન મળવા છતાં આ કેસની મુખ્ય અપીલ હજુ હાઈકોર્ટમાં પડતર છે, જેના પર આગામી સમયમાં અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવશે.






































