સુરતના સરથાણા વિસ્તારમાંથી ગત ૨૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ થયેલા ૧૭ વર્ષીય સગીરાના અપહરણના કેસનો પોલીસે ફિલ્મી ઢબે ઉકેલ લાવ્યો છે. પાટીદાર સમાજની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરનાર અને તેના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપી અરવિંદ પંચાસરાને પોલીસે ૧૧ ફૂટ ઊંચી દીવાલ કૂદીને દબોચી લીધો હતો. ૨૫૦૦ કિલોમીટરના પીછા બાદ અંતે ખાખીની જીત થઈ છે.
૨૬ વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા બે સંતાનોનો પિતા હોવા છતાં સગીરાને ફોસલાવી પોતાની બોલેરો પીકઅપમાં લઈ ફરાર થયો હતો. પોલીસથી બચવા માટે તેણે સાણોદર પાસે પોતાનો મોબાઈલ બંધ કરી સિમ કાર્ડ તોડી નાખ્યું હતું. આરોપી સગીરાને લઈને અકળા, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારોમાં મજૂરી કામ કરી છુપાઈ રહ્યો હતો. સુરત પોલીસની ટીમે સતત ત્રણ દિવસ સુધી બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં ધામા નાખ્યા હતા.
ટેકનિકલ મદદ ન મળતા પીએસઆઇ શીતલ ચૌધરીએ ઝ્રડ્ઢઇનું ઊંડું એનાલિસિસ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પોરબંદરમાં એક અજાણ્યા માછીમારના ફોનનો ઉપયોગ કર્યો હતો. આ એક કડી પોલીસ માટે વરદાન સાબિત થઈ. આરોપીની માતા અને માસીની સઘન પૂછપરછમાં ‘માંડવા’ ગામનું નામ સામે આવ્યું, જ્યાં આરોપી સગીરાને પોતાની પત્ની ઓળખાવી તબેલામાં મજૂરી કરતો હતો.
માંડવા ગામમાં જે મકાનમાં આરોપી છુપાયો હતો તેનો દરવાજા અંદરથી બંધ હતો. પોલીસ જવાન ચેતને જીવના જાખમે ૧૧ ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો અને દરવાજા ખોલ્યો હતો. પોલીસે આરોપી અરવિંદ અને સગીરાને ઊંઘમાં જ ઝડપી પાડ્યા હતા.
આરોપીની ગાડી પાછળ ‘છેને તારા જેવી ઢીંગલી’ એવું લખાણ લખેલું હતું, જે તેની વિકૃત માનસિકતા છતી કરતું હતું. ઝોન ૧ ડીસીપી અને પીઆઇના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ શીતલ ચૌધરી અને તેમની ટીમે જમવા કે ઊંઘવાની પરવા કર્યા વગર આ ઓપરેશન પાર પાડી સગીરાને મુક્ત કરાવી છે અને નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.








































