સરકારી અધિકારીઓ મનસ્વી નિર્ણય લેતા હોવાનો આરોપ સાથે ભાજપના ૫ ધારાસભ્યોએ cmને લખ્યો પત્ર લખ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખેલા આ પત્રમાં ધારાસભ્યોએ કર્મચારીઓના વલણ અને કામ કરવાની પદ્ધતિ અંગે ગંભીર આરોપોનો ઉલ્લેખ કરાયો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય કેતન ઇનામદાર, શૈલેષ મહેતા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના ૫ ધારાસભ્યોએ આ પત્ર લખ્યો છે. જેમાં તેઓએ ‘ઉપરી અધિકારીઓ તેમનું કહ્યું ન સાંભળતા હોવાની’ રજૂઆત કરી છે.

ધારાસભ્યોએ cm ને લખેલા પત્રમાં ઉલ્લેખ છે કે, ‘હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખંભોળે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસ ને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઇ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા લાગ્યા છે.’

વધુમાં પત્રમાં ઉલ્લેખ કરાયેલો છે કે, ‘કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશ્નર તથા અન્ય સહિતના સરકારી અધિકારીઓપોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વીડિઓ કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થીતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવવામાં આવે છે, સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે. પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપ્પર પોતાને જ સરકાર સમજી અંધાધુન વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. જેનાથી સરકારની છબી ખરડાઈ રહી છે.’

આટલું જ નહીં, ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલ કાર્યો કરવામાં આવતા નથી તથા ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ કેમ માંગી? આ પ્રમાણેની ખરાબ માનસિકતા અધિકારીઓ દાખવતા હોવાના આરોપો મુકી આ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ‘આ સુચારુ રૂપથી વહીવટી તંત્ર ચલાવવા યોગ્ય નહીં’ હોવાની વાતનો પત્રમાં ઉલ્લેખ કર્યો છે.

સાથે જ આ મામલે અમે વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆત કરી હતી અને હવે વિનંતી કરી રહ્યા છે કે, ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલ પ્રજાના કામોને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે સાથે જ જરૂરી સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ આ ધારાસભ્યોએ કરી છે.

આ પ્રકારની રજૂઆતો સાથેનો પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વડોદરા ગ્રામ્યના પાંચ ધારાસભ્યોએ લખ્યો છે. આ પત્રમાં ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા(સોટ્ટા), સાવલી ધારાસભ્ય કેતન ઈમાનદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા, કરણજ ધારાસભ્ય અક્ષય પટેલ, પાદરાના ધારાસભ્ય ચૌતન્યસિંહ ઝાલાની સહી દેખાઈ રહી છે, ત્યારે સરકારમાં રહેલી રાજકીય પાર્ટી ભાજપના જ ધારાસભ્યો આ રીતે મુખ્યમંત્રીને રજૂઆત કરતા તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે.