ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખાખી પર હુમલાઓની ઘટના વધી છે, ત્યારે આવો જ એક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતો ચોંકાવનારો કિસ્સો હાલ દાહોદ જિલ્લામાંથી સામે આવ્યો છે. દાહોદના રળીયાતી ગામે દારૂની રેડ પાડવા ગયેલી રૂરલ પોલીસ ટીમ પર એક બુટલેગરે ઉશ્કેરાઈને કુહાડીથી હિંસક હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં એક પોલીસ જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, દાહોદ રૂરલ પોલીસને બાતમી મળી હતી કે, રળીયાતી ગામે એક બુટલેગરના ઘરે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસ ટીમ જ્યારે આરોપીના ઘરે રેડ કરવા પહોંચી હતી, ત્યારે બુટલેગરે પોલીસને જાઈને પિત્તો ગુમાવ્યો હતો અને ધરપકડ થવાના ડરથી આ બુટલેગરે ઘરમાં રહેલી કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કરી દીધો હતો.
આ હુમલો એટલો ગંભીર હતો કે બુટલેગરે સીધો પોલીસ જવાનના માથાના ભાગે કુહાડીનો ઘા ઝીંક્યો હતો. જેથી લોહીલુહાણ હાલતમાં પોલીસ જવાન જમીન પર ઢળી પડ્યા હતા. જે બાદ તકનો લાભ લઈને હુમલાખોર બુટલેગર અંધારામાં ફરાર થઈ ગયો હતો. બાદમાં ગંભીર રીતે ઘાયલ પોલીસ કર્મચારીને સારવાર અર્થે તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ટાંકા લેવા પડ્યા છે.
હાલની માહિતી મુજબ આ પોલીસ જવાનની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ પર થયેલા આ હુમલાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. ફરાર બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે અને રળીયાતી ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ બનાસકાંઠાના પાડલિયા ગામમાં વન વિભાગની જમીન ખાલી કરાવવા ગયેલી ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો હતો. જે ઘટનામાં ૪૭ જેટલા અધિકારીઓ ઘાયલ થયા હતા, જેમાંથી પાંચથી વધુ લોકોની હાલત ગંભીર જણાતા એક પી.આઈ. સહિત ૯ કર્મચારીને પાલનપુર સારવાર માટે ખસેડાયા હતા. આ ગંભીર ઘટનામાં લગભગ ૧૦૦૦ જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી અને આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું.
ઉપરાંત ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી પોલીસની પકડમાં રહેલા આરોપીઓ પર પોલીસકર્મીઓ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાંથી મોટાભાગની ઘટનાઓમાં પોલીસે હુમલાખોર આરોપીઓ પર ફાયરિંગ કરીને પગમાં ગોળી ધરબી તેઓને ઇજાગ્રસ્ત કરી ભાગવાના પ્રયાસો નાકામ કરી દીધા હતા, ત્યારે હાલ પણ દાહોદમાં ફરજ દરમિયાન પોલીસકર્મી પર કુહાડીથી હુમલો થયો હોવાની ઘટના ભારે ચર્ચાસ્પદ બની છે.