વડોદરા શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વડસર બ્રિજ પાસે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ટ્રકે એક વૃદ્ધ સાયકલ સવારને ટક્કર મારતા તે વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, વડસર બ્રિજ નજીક વૃદ્ધ વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ પરથી ડીઝલ પુરાવીને બહાર નીકળતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આ વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
આ અકસ્માત પછી તરત જ ડમ્પર ચાલક વાહન છોડીને ભાગી ગયો હતો. આ ઘટના બનતા વડસર બ્રિજ પાસે ભીડ એકઠી થઈ ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માત સર્જાવા બદલ લોકો ડમ્પર ચાલક પર ગુસ્સે ભરાયા હતા .ઘટનાની માહિતી મળતાં, માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તાત્કાલિક તપાસ શરૂ કરી. અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મૃતક વૃદ્ધની ઓળખ કરવાના પ્રયાસો પણ ચાલુ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.
આ પહેલા અમદાવાદ જિલ્લાના બાવળા વિસ્તારમાં બલદાણા-બેગામડા માર્ગ પર ઝડપી ડમ્પરે બાઇક સવાર એક આશાસ્પદ યુવાન ડોક્ટરને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મૃત યુવાનનું નામ ડા. યશ હિંમત ઝાપડિયા છે, જેની ઉંમર માત્ર ૨૮ વર્ષની હતી. આ દુઃખદ ઘટના બાવળા તાલુકાના બલદાણા અને બેગામડા ગામને જાડતા માર્ગ પર બની હતી.
માહિતી અનુસાર, ડા. યશ ઝાપડિયા પોતાના બાઇક પરથી ક્યાંક જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને જારદાર ટક્કર મારી હતી. ટક્કરની તીવ્રતા એટલી હતી કે ડા. યશને ગંભીર ઇજા થઈ અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.અકસ્માત સર્જાતા જ ડમ્પર ચાલકે વાહન છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જવાની કોશિશ કરી હતી.જાકે, બનાવની જાણ થતાં કેરાળા જીઆઇડીસી પોલીસ સ્ટેશનની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ડા. યશ ઝાપડિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.





































