બાંગ્લાદેશમાં ઘણા સમયથી હિન્દુઓ પર અત્યાચાર અને હત્યાકાંડ થઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ અંગે એક નિવેદન બહાર પાડ્યું છે. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોને માનવતા પર કલંક ગણાવ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ બાંગ્લાદેશના ભારત વિરુદ્ધ વલણને કેન્દ્ર સરકારની રાજદ્વારી નિષ્ફળતા ગણાવી હતી. તેમણે તેમના સત્તાવાર હેન્ડલ પરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક પોસ્ટ શેર કરી હતી.
વરિષ્ઠ નેતાએ પોસ્ટમાં લખ્યું હતું કે, “બાંગ્લાદેશથી આવતા હિન્દુ લઘુમતીઓ પર ક્રૂરતાના અહેવાલો ચિંતાજનક છે. માત્ર ૧૯ દિવસમાં પાંચ હિન્દુઓની હત્યા અને ત્યાં મહિલાઓ પર અત્યાચાર માનવતા પર કલંક છે.”
તેમણે એકસ પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, “૧૯૭૧ના સમયગાળાની યાદો હજુ પણ તાજી છે જ્યારે, ઇન્દીરા ગાંધીના નેતૃત્વમાં, ભારતે માત્ર રાજદ્વારી કઠોરતા દર્શાવી ન હતી, પરંતુ તેની મજબૂત ઇચ્છાશક્તિથી ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખ્યા હતા. તેણીને યુનાઇટેડ સ્ટેટ્સ જેવી મહાસત્તાની પણ પરવા નહોતી, જેણે ભારત વિરુદ્ધ પોતાનો સાતમો કાફલો મોકલ્યો હતો. તે પણ ચિંતાજનક છે કે ભારતે પોતે બનાવેલો દેશ ભારત વિરુદ્ધ થઈ ગયો છે. આ ભારત સરકારની રાજદ્વારી નિષ્ફળતા છે.”
ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ આગળ લખ્યું, “કેન્દ્ર સરકારે ‘ઊંડી ચિંતા’ વ્યક્ત કરવા જેવા ફક્ત ઔપચારિક નિવેદનોથી આગળ વધીને નક્કર પગલાં લેવા જાઈએ. આપણા પાડોશી દેશમાં લઘુમતીઓના જીવન અને ગૌરવનું રક્ષણ કરવું એ આપણી નૈતિક અને રાજદ્વારી જવાબદારી છે. ઇતિહાસ સાક્ષી છે કે ખાલી નારાઓ નહીં, પણ નિર્ણાયક નેતૃત્વ જ નિર્દોષ લોકોના જીવ બચાવી શકે છે. વડા પ્રધાને આ મામલે હસ્તક્ષેપ કરવો જાઈએ અને બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર અસરકારક દબાણ લાવવું જોઈએ.”








































