ખેડૂત વિરોધી નીતિઓ અને લાંબા સમયથી પડતર માંગણીઓ સામે અવાજ ઉઠાવવા માટે ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી ૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવારના રોજ ગાંધીનગર ખાતે એક વિશાળ અને શક્તિશાળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. “ચાલો ગાંધીનગર” ના નારા સાથે યોજાનારા આ આંદોલનમાં અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભા સહિત તમામ ૧૧ તાલુકાના ખેડૂતોને મોટી સંખ્યામાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું છે. કિસાન સંઘના જણાવ્યા અનુસાર, આ શક્તિ પ્રદર્શન ગાંધીનગરના સેક્ટર-૧૭માં વિધાનસભા સામે સવારે ૮ઃ૦૦ વાગ્યાથી શરૂ થશે. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની એવી નીતિઓ સામે વિરોધ નોંધાવવાનો છે જે ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડી રહી છે. ખેડૂત સંઘના આગેવાનોના જણાવ્યા મુજબ, ખેડૂતોને પાકના યોગ્ય ભાવ ન મળવા, ખાતર-બીજની અછત, સિંચાઈ માટે પાણી અને વીજળીની સમસ્યા, તેમજ વધતા જતા કૃષિ ખર્ચ જેવા પ્રશ્નોથી ખેતી મુશ્કેલ બની રહી છે. વારંવારના આશ્વાસનો છતાં કોઈ નક્કર ઉકેલ ન આવતા હવે ખેડૂતો એકજૂટ થઈને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા ગાંધીનગરના આંગણે ઉમટી પડશે. આ પ્રદર્શન અંગે માહિતી આપતા અમરેલી જિલ્લા કિસાન સંઘના પ્રમુખ સામતભાઈ જેબલીયા, પ્રદેશ ઉપપ્રમુખ ધીરુભાઈ ધાખડા અને મંત્રી વિનુભાઈ દુધાત દ્વારા સંયુક્ત રીતે જણાવાયું છે કે, આ આંદોલન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે યોજાશે. તેમણે અમરેલી જિલ્લાના દરેક ગામડામાંથી ખેડૂતોને પરિવાર સાથે આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. ખેડૂતોના હક અને અસ્તિત્વની લડાઈ ગણાતા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી હજારોની મેદની ઉમટી પડે તેવી શક્યતા છે, જેને પગલે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે.







































