અમરેલી જિલ્લામાં ઠંડીએ ચમકારો દેખાડ્યો છે ત્યારે તસ્કરો પોલીસની ઠંડી ઉડાડી રહ્યા છે. જિલ્લામાં ઉંઘતી પોલીસ અને જાગતા તસ્કરો જેવો ઘાટ ઘડાયો છે. જિલ્લામાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓથી લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે. કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં સરધાર પરિવારના ખોડિયાર માતાજીના મંદિરમાં બુકાનીધારી તસ્કરોએ ચોરી કરી છે. તસ્કરો માતાજીને ચઢાવેલું ચાંદીનું છતર ચોરી ગયા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે અને ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ચોરીની જાણ થતાં વડીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા માત્ર તપાસ ચાલી રહેલી હોવાથી સેવકો અને દર્શનાર્થીઓમાં ભારે રોષ છે. ગ્રામજનો પોલીસ પેટ્રોલિંગ વધારવા અને તસ્કરોને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરી રહ્યા છે.