અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. હાઈવે પર વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની છે. નડિયાદથી આણંદ વચ્ચે ફતેપુરા પાસે ઘટના બની છે.  પિકઅપ વાન અને ટ્રક  વચ્ચેના આ અકસ્માતમાં એકનું મોત થયું છે.

અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા આણંદ ખસેડવામાં આવ્યા હતા. એક્સપ્રેસ વે પરથી ત્રણથી ચાર કિ.મી.નો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે તરત જ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ચકલાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવના પગલે એક્સ પ્રેસ હાઇવેપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકનું પંચનામુ કર્યુ હતુ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ખેડામાં આ અકસ્માત ધુમ્મસના કારણે બન્યો હોવાનું લાગે છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોય છે અને ધુમ્મસમાં નજીકની વસ્તુ પણ દેખાતી નથી આ સંજાગોમાં એક્સપ્રેસ-વે પર વાહન ચલાવવું અત્યંત કપરું હોય છે. તેના કારણે સ્પીડમાં આવતા વાહનો ધીમા જતા કે અચાનક ઊભા રહી ગયેલા વાહનોને અથડાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.

હાલમાં તો ખેડા પોલીસે અકસ્માત મોતનો કેસ અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  પોલીસે અકસ્માતનો સાચો ચિતાર મેળવવા ઘટનાસ્થળની જાડેના સીસીટીવી ફૂટેજ ખંગોળવા માંડ્યા છે. તેના પરથી પોલીસ અકસ્માતનું સાચુ કારણ મળશે તેવો વિશ્વાસ છે.