ઉના તાલુકાના ચીખલી ગામના ખારા વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારના અવશેષો મળતાં ચકચાર મચી ગઈ છે. ચોરીના આરોપીઓને પકડવા આવેલી બગસરા પોલીસને જોઈને એક મહિલાએ મોરના શિકારના અવશેષો ફેંકી દીધા હતા. આ દ્રશ્ય ગ્રામજનોએ જોયું હતું અને તરત જ જસાધાર વન વિભાગને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, એક દેવીપૂજક પરિવાર બળદગાડા સાથે ખારા વિસ્તારમાં આવ્યો હતો, જેમાં બે પુરુષો પણ સામેલ હતા. પોલીસને જોઈ આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે પીછો કરી બંનેને ઝડપી લીધા હતા. પોલીસની હાજરી દરમિયાન મહિલાએ મોરના અવશેષો ફેંક્યા હોવાનું સામે આવ્યું છે. વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. અવશેષોની તપાસમાં મોરનો તાજો શિકાર થયો હોવાનું પ્રાથમિક તારણ આવ્યું છે. પોલીસે ઝડપેલા આરોપીઓ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.