આજે બારડોલીના સ્વરાજ સત્યાગ્રહ આશ્રમની મુલાકાતે હતો. ગયા અંકમાં મેં સુની ડેલીઓ વિશે ભાવનાત્મક વિષયઃ આધુનિક સમાજના તૂટતા પરિવારો સામે લાલબત્તી સમાન રજૂ કર્યો હતો. આજે સ્વરાજ આશ્રમમાં આર્ટ ગેલેરી ની મુલાકાત દરમિયાન વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેન વિશે કેટલીક માહિતીઓ મેળવી અને આજે કલમના માધ્યમથી આપ સૌ સમક્ષ વાત મૂકી રહ્યો છું આજે આપણે આંતરજ્ઞાતિય ભાગેડુ લગ્નનો વિરોધ કરી રહ્યા છીએ કારણકે મા બાપના કહ્યામાં દીકરા દીકરીઓ રહ્યા નથી, એથી પણ કરુણતા એ છે કે પશ્ચિમની સંસ્કૃતિનો વિરોધ કરનાર દેશમાં લગ્ન વિના કે બીજા કોઈ સાથે લગ્ન થયા પછી કોઈ પુરુષ સાથે રહેવાના કાયદાને રદ કરવા દરેક સમાજના વડીલ ભાઇ બહેનો કયારે બહાર આવીને વિરોધ કરશે આ કાયદો સમાજને સૌથી છિન્નભિન્ન કરતો કાયદો છે. પરિવારો તો તૂટી રહ્યા છે, પરંતુ નિરાધાર બનતા બાળકોની આંખો સામે માસુમિયત જોવાનો કોઈની પાસે સમય નથી. દીકરા દીકરીઓ મોબાઈલ ક્યાંથી લાવે છે, ખોટા અને મોટા ખર્ચાઓ માટે રૂપિયા ક્યાંથી લાવે છે, કોણ આપે છે, ક્યાં હરવા ફરવા જાય છે, કોની સાથે રાત દિવસ મોબાઇલમાં ચેટિંગ કરે છે, કોની સાથે વાતો કરે છે એ પૂછવાનો સમય આજે ન તો માતા પાસે છે કે ન પિતા પાસે છે. કારણ કે એ પણ મોબાઈલમાં પડી ગયા છે અને પછી આંસુ સારવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી, ત્યારે સહુ સમાજના વાલીઓને માતા અને પિતાઓને વિનંતી કરું છું કે એક વખત ઇતિહાસના પાનામાંથી મણીબેન જેવી દીકરી, જેનો ત્યાગ તપસ્યા એક વખત પોતાના દીકરા દીકરીઓને સમજાવવી જોઈએ, ભણાવવી જોઈએ અને જીવનમાં ઉતારે તે માટેના પ્રયત્નો કરવા જોઈએ, તો આંસુ સારવાનો સમય નહીં આવે. ઇતિહાસના પાનાં ઉથલાવીએ તો દેશ માટે લડનારી અનેક વિરાંગનાઓ, ક્રાંતિકારી મહિલાઓ અને બલિદાની માતાઓ નજરે પડે છે. કોઈએ જંગના મેદાનમાં શૌર્ય બતાવ્યું, તો કોઈએ ગુપ્ત સંદેશાઓ પહોંચાડી સ્વાતંત્ર્યસંગ્રામને જીવંત રાખ્યો. પરંતુ આ બધાની વચ્ચે એક એવી નારીશક્તિ પણ છે, જેણે કોઈ યુદ્ધ લડ્‌યું નહીં, કોઈ નારા લગાવ્યા નહીં, છતાં જેણે એક મહાન પુરુષની પ્રતિષ્ઠા, પરિવારની શાખ અને સંસ્કારને જીવનભર અડગ રાખ્યા — એ છે સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી, મણીબેન પટેલ.
ભારતીય સંસ્કૃતિમાં પરિવાર માત્ર રક્તસંબંધ નથી, પરંતુ સંસ્કારની પાઠશાળા છે. અને આ પાઠશાળામાં માતા અને દીકરી બંનેની ભૂમિકા અમૂલ્ય હોય છે. પિતા પરિવારનો સ્તંભ હોય છે, તો દીકરી એ ઘરનો દીવો હોય છે — જે પ્રકાશ ફેલાવે છે પણ પોતાનો અહંકાર બતાવતી નથી. મણીબેન એ દીવો હતી, જેણે સરદાર પટેલ જેવા લોખંડી પુરુષના જીવનમાં શાંતિ, શિસ્ત અને સંયમનો પ્રકાશ જાળવી રાખ્યો.
સરદાર પટેલ દેશ માટે લડતા રહ્યા, રાજ્યોને એકસૂત્રતામાં બાંધતા રહ્યા, પરંતુ ઘરની ચાર દિવાલોમાં એક દીકરી એવી હતી, જે પોતાના પિતાની વિચારધારાને સમજતી હતી, તેમની તબિયતની ચિંતા કરતી હતી અને તેમની પ્રતિષ્ઠાને પોતાનો ધર્મ માનીને જીવતી હતી. મણીબેન માટે “પિતા” શબ્દ માત્ર સબંધ નહોતો, પરંતુ એક જવાબદારી હતી. પિતાની આંખોમાં ક્યારેય નિરાશા ન આવે, તેમનું નામ ક્યારેય શંકાની નજરે ન જોવાય – એ મણીબેનનો જીવનમંત્ર હતું.
આદર્શ પરિવાર એ નથી કે જ્યાં ધન-સંપત્તિ હોય, પરંતુ એ છે જ્યાં સ્ત્રીઓ સંસ્કારની રક્ષા કરે. દીકરી જો સંયમિત હોય, સમજદાર હોય અને જવાબદારી જાણતી હોય, તો પરિવાર આપમેળે આદર્શ બની જાય છે. મણીબેન ક્યારેય રાજકીય લાભ, સત્તા કે ઓળખ પાછળ દોડયા નથી. તેણે પોતાનું જીવન પિતાના કાર્ય અને દેશના હિત સાથે જોડીને જીવ્યું. લગ્ન ન કરવા પાછળનો તેનો નિર્ણય કોઈ કમજોરી નહોતી, પરંતુ એક મજબૂત સંકલ્પ હતો — “મારા પિતાનું જીવન જ મારું જીવન છે.” પરિવારમાં દીકરીની ફરજ માત્ર આજ્ઞાપાલન નથી, પરંતુ સંવેદના, સમજ અને સંયમ છે. જ્યારે પિતા થાકી જાય, ત્યારે દીકરીએ તેમનો સહારો બનવું પડે; જ્યારે સમાજ તાકાત અને સફળતા માપે, ત્યારે દીકરીએ પિતાના માનને માપવું પડે. મણીબેન એ ફરજને મૌન રીતે, પણ પૂર્ણ નિષ્ઠાથી નિભાવી. સરદાર પટેલની રોગાવસ્થામાં તેમની સેવા કરવી, તેમના દસ્તાવેજો, પત્રવ્યવહાર અને દૈનિક જીવનની વ્યવસ્થા સંભાળવી — આ બધું તેણે કોઈ ફરિયાદ વિના કર્યું. આજના સમયમાં જ્યારે દીકરીઓ પોતાની ઓળખ બનાવવા માટે આગળ વધી રહી છે, ત્યારે મણીબેન આપણને એ પણ શીખવે છે કે ઓળખ બનાવવી અને મૂલ્યો જાળવવા — બંને વચ્ચે સંતુલન રાખવું જરૂરી છે. પિતાની આબરૂ રાખવી કોઈ બાંધછોડ નથી, પરંતુ ગૌરવ છે. પરિવારની શાખ સાચવવી કોઈ જૂની વિચારધારા નથી, પરંતુ સંસ્કૃતિની રીત છે.
મણીબેન પટેલ માત્ર એક મહાન નેતાની દીકરી ન હતા; તે આદર્શ દીકરી, આદર્શ પરિવાર અને આદર્શ નારીશક્તિનું પ્રતિક હતા. તેણે સાબિત કર્યું કે જ્યારે દીકરી સંસ્કાર, સંયમ અને સમર્પણ સાથે ઊભી રહે, ત્યારે પિતા નિર્ભય બની દેશ માટે લડી શકે છે.
આજની દરેક દીકરી, દરેક મહિલા અને દરેક પરિવાર માટે મણીબેન એક મૌન પાઠ છે – કે પરિવાર મજબૂત હશે, તો દેશ પણ મજબૂત બનશે. અને જે દીકરી પિતાનું માથું ગર્વથી ઊંચું રાખે, એ દીકરી પોતે ઈતિહાસ બની જાય છે.

: તિખારો:
માણસની પ્રગતિ જ્યારે તેની લાયકાત, કાબિલિયત, હોશિયારીના માપદંડ સિવાય ખુશામત ખોરી, રૂપ અને રૂપિયા અને ચારીત્ર ના ભોગે મળતી થઈ જાય ત્યારે સમજવું કે અંધકાર દૂર નથી