તોતીંગ ભાડા વાળી ભુજ-ધારી એસી બસને બંધ કરવામાં આવી
બગસરાના મુસાફરોને કચ્છ જવા માટે એકપણ સીધી બસ સેવા ન હોવાથી વારંવાર કચ્છ માટે સીધી બસની માંગ કરવામાં આવતી હતી જેથી ભુજ ડિવિઝન દ્વારા ભુજ-ધારી એસી બસ શરૂ કરવામાં આવી હતી પરંતુ આ બસમાં તોતીંગ ભાડુ હોવાથી આ બસમાં મુસાફરોને આર્થિક વ્યય થતો હતો, જેથી હવે નવા રૂટ સાથે માંડવી-ભુજ-બગસરા બસ શરૂ કરવામાં આવતા બગસરા પંથકના મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. બગસરા પંથકના મુસાફરોને મોરબી-કચ્છ જવા માટે એકપણ સીધી બસની સુવિધા નહોતી જેથી ભુજ-ધારી એસી બસ શરૂ કરવામાં આવી હતી હવે આ બસ બંધ કરી માંડવી-ભુજ-રાજકોટ-બગસરા ગુર્જર નગરી બસ શરૂ કરવામાં આવી છે. આ બસ માંડવીથી રાત્રે ૮ કલાકે ઉપડશે જે ભુજ રાત્રિના ૧૦ કલાકે પહોંચશે જે વાયા મોરબી,રાજકોટ,દેરડી થઈને બગસરા વહેલી સવારે ૬ઃ૪૦ વાગ્યે પહોંચશે અને સાંજે ૭ઃ૩૦ કલાકે બગસરાથી દેરડી,રાજકોટ,મોરબી, ભુજ થઈને માંડવી પહોંચશે. આ ગુર્જરનગરી બસનું ભાડુ માંડવીથી બગસરા સુધી રૂ.૩૪પ રાખવામાં આવ્યું છે. બગસરા પંથકના મુસાફરોને રાજકોટ જવા માટે છેલ્લી બસ શરૂ થઈ હોવાથી આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.









































