કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલ સાથે સંકળાયેલા વર્ષો જૂના પગાર બાકી કેસમાં ભુજ કોર્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્ટના હુકમ અનુસાર જી.કે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ઓફિસમાં આવેલી જંગમ મિલકતની કોર્ટ નિયમ મુજબ જપ્તી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી સમગ્ર આરોગ્ય વિભાગમાં ચકચાર મચી ગઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ, હોસ્પિટલના પૂર્વ મેડિકલ ઓફિસર ડા. હીરજી ભૂડિયાને વર્ષ ૨૦૧૧ સુધીનો ચડત પગાર ચૂકવાયો ન હતો. આ મુદ્દે અનેક રજૂઆતો બાદ અંતે ડા. ભૂડિયાએ કોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો. કોર્ટ દ્વારા પગાર ચુકવવાનો સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો હોવા છતાં વર્ષ ૨૦૧૭થી આજદિન સુધી સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક અમલ કરવામાં આવ્યો ન હતો.આ મામલે અરજદાર દ્વારા કોર્ટમાં તામિલ રજૂ કરવામાં આવતા કોર્ટે સરકારી તંત્રની ગંભીર બેદરકારી અંગે નોંધ લીધી હતી. પરિણામે કોર્ટ દ્વારા સિવિલ સર્જન ઓફિસમાં રહેલી જંગમ મિલકત જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશના અનુસંધાને આજે કોર્ટના માર્ગદર્શન હેઠળ સિવિલ સર્જનની કચેરીમાં માલ સામાનની જપ્તી કરવામાં આવી હતી.કોર્ટના હુકમ અનુસાર જંગમ મિલકત જપ્તી બાદ બાકી રહેતી પગાર રકમ સંબંધિત વિભાગ દ્વારા કોર્ટમાં જમા કરાવવાની રહેશે. મહત્વનું છે કે અગાઉ મેડિકલ બોર્ડ દ્વારા પણ અરજદારને પગાર ચુકવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો, છતાં લાંબા સમય સુધી આ મામલો અવગણવામાં આવતા અંતે કોર્ટને કડક પગલાં લેવા પડ્યા.કોર્ટના આદેશ બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓમાં દોડધામ શરૂ થઈ છે, જ્યારે સરકારી તંત્રની જવાબદારી અને કર્મચારીઓના હકોને લઈને ફરી એક વખત સવાલો ઊભા થયા છે.