શહેરમાં રાજકીય હલચલ મચાવી દે તેવો ખંડણી રેકેટનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આમ આદમી પાર્ટી (આપ)ના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જાષી સામે ગંભીર આક્ષેપો સાથે સમગ્ર મામલો બહાર આવ્યો છે. સોશિયલ મીડિયાનો ભય બતાવી અનાજ દુકાનદારો પાસેથી નિયમિત રીતે હપ્તા વસૂલાતા હોવાનો આરોપ વેપારીઓએ લગાવ્યો છે. આ સમગ્ર મામલામાં શ્રવણ જાષીના નજીકના સાગરીત સંપત ચૌધરીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પીળી ટી-શર્ટમાં રોકડ રકમ સ્વીકારતો સ્પષ્ટ રીતે નજરે પડે છે.વેપારીઓએ હિંમત બતાવીને લાઈવ વીડિયો ઉતાર્યો હતો, જે હવે મહત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, દર મહિને ૨૫ હજાર રૂપિયાનું હપ્તો આપવા દબાણ કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં અંદાજે ૧૦ વેપારીઓ પાસેથી કુલ ૩.૫ લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ છે. જા પૈસા ન આપે તો લાયસન્સ રદ કરાવી દેવાની, દુકાન બંધ કરાવી દેવાની અને ફેસબુક લાઈવ કરીને સામાજિક પ્રતિષ્ઠા ખરડવાની ધમકી આપવામાં આવતી હતી.વિશેષ વાત એ છે કે, વાયરલ વીડિયોમાં સંપત ચૌધરી ખુદ કબૂલાત કરતો સાંભળાઈ રહ્યો છે કે, “બધા પૈસા શ્રવણભાઈના છે.” આ નિવેદન બાદ મામલો વધુ ગંભીર બન્યો છે અને સીધો ‘આપ’ના યુવા નેતૃત્વ સુધી પહોંચતો દેખાઈ રહ્યો છે. ગોડાદરા વિસ્તારમાં એક લાખ રૂપિયાની લેતી-દેતીનો વીડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. વીડિયોમાં વેપારીઓને એવું કહેવામાં આવે છે કે, “પૈસા પહોંચે તો કોઈ તકલીફ નહીં આવે,” જે ખંડણીના દાવાને વધુ મજબૂત બનાવે છે.વેપારીઓએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં રજૂઆત કર્યા બાદ પોલીસે તપાસ તેજ કરી છે. વાયરલ વીડિયોની ફોરેન્સીક તપાસ, પૈસાની લેવડદેવડ અને સંડોવાયેલા વ્યક્તિઓની ભૂમિકા અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ ‘આપ’ નેતાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રાજકીય વર્તુળોમાં પણ આ મામલે ભારે ચર્ચા ચાલી રહી છે. હવે પોલીસ તપાસ બાદ આ ખંડણી રેકેટમાં કેટલા મોટા નામો બહાર આવે છે અને ‘આપ’ પાર્ટી શું કાર્યવાહી કરે છે, તે તરફ સમગ્ર સુરતની નજર મંડાઈ છે.