ર૦રપનું વર્ષ ર દિવસ પછી પૂર્ણ થશે. ર૦રપના વર્ષમાં યુધ્ધ, ક-મોસમી વરસાદ સહિત અનેક મુશ્કેલીઓ જાઈ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે તમામ ક્ષેત્રે પોતાની મજબૂત ઓળખ પણ ઉભી કરી છે. આ બધા વચ્ચે ભીતરનો ભેરૂ એવા ગામડાઓની સુરત આથમતા સૂરજ જેવી થતી જાય છે. ગામડાઓની ડેલીઓ કણસી રહી છે.
એક સમય હતો જ્યારે ગામડાના મકાનની ડેલી એ માત્ર આવવા-જવાની જગ્યા ન હતી એ ડેલી સમાજજીવનની વ્યવસ્થા હતી. ત્યાંથી માણસ ઘરમાં પ્રવેશે એ પહેલા પોતાનો અહંકાર બહાર મૂકીને આવતો અને ડેલીમાંથી ઘરની બહાર નીકળે એ પહેલા જવાબદારી લઈને જતો. ડેલી એટલે ઘર અને ગામ વચ્ચેનો સેતુ જ્યાં માણસ પોતે એકલો નહિ સમાજનો ભાગ હોવાનું અનુભવતો હતો.
ગામડામાં આબરૂદાર, મોભાદાર અને પૈસાદાર માણસોની ડેલી ગામના લોકો માટે આશ્વાસનનું કેન્દ્ર હતી. કોઈ મુશ્કેલી હોય, કોઈ દુઃખ હોય, કોઈ ગુંચવાયેલા નિર્ણયો કરવાના હોય ત્યારે ગામ લોકોના પગ મોભાદાર ડેલીઓ તરફ ચાલતા. આ ડેલીમાં રહેતા મોભાદાર વડીલ માત્ર સલાહ ન આપતા પરંતુ અનુભવ વહેંચતા, તેમની વાતમાં ઉતાવળ નહિ પણ ઉંડાણ અને સમજણ હતા. એ ડેલીના વડીલના મોઢે નીકળેલી વાત બધા પાળતા અને વાતમાં વજન રહેતુ. એ વડીલો આજના કહેવાતા રાજકીય/સામાજીક અને પોતાની જાતને મોભાદાર સમજતા લોકોની જેમ વાતે-વાતે ફરી ન જતા એ તેમની ખાનદાની હતી.
ડેલી પર સાંજ પડે એટલે ગામ જીવંત બની જતું. દિવસભરની મહેનત પછી લોકો ત્યાં ભેગા થતા, ભજન દુંહા, છંદના ડાયરા થતા. એ ડાયરા મનોરંજનના નહિ પરંતુ સંસ્કારની પાઠશાળા હતા. યુવાનો ત્યાં બેઠા બેઠા શીખતા કે જીવન માત્ર કમાવાનું નામ નથી, જીવવાનું નામ છે. ત્યાં સમજાતું કે સફળતા એટલે એકલા આગળ વધવું નહિ પરંતુ સૌનૈ સાથે લઈને આગળ વધવું.
ડેલી એ ગામડાઆંની લોકશાહી હતી. ત્યાં કોઈ મોટો કે નાનો ન હતા. પૈસા કરતા માણસ અને માણસાઈની કિંમત વધુ હતી. વડીલોના શબ્દોમાં વજન હતું કારણ કે તેઓ બોલતા પહેલા વિચારતા અને વિચારતા પહેલા સૌનું ભલુ જોતા હતા. એ ડેલી ઉપર શિખામણ આપવામાં આવતી કે ગુસ્સા કરતા સમજ મોટું શસ્ત્ર છે અને સંવાદ સિવાય બીજા કોઈ ઉઠેલ નથી.
પરંતુ સમય બદલાયો, રોજગારી, શિક્ષણ, સુવિધાઓના નામે ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર શરૂ થયું. વડીલો એક પછી એક વિદાય લેતા થયા. ડેલીના ડાયરા શાંત થતા ગયા. જે ડેલીએ બેસીને ડાયરા થતા ત્યાં તાળા લાગતા થયા. શેરીઓ સુની અને ડેલીઓ મૌન થતી જાય છે. ગામડાઓમાં મેડીબંધ મકાનો છે પરંતુ કલરવ, કલબલાટ નથી. આ પરિવર્તનની સૌથી મોટી અસર આજની યુવા પેઢી ઉપર પડી છે. આજના યુવાનો પાસે માહિતી અઢળક છે પરંતુ માર્ગદર્શન નથી. મોબાઈલમાં આખી દુનિયા છે પરંતુ સમજાવનાર કોઈ નથી. સોશિયલ મીડિયા ઉપર હજારો ફોલોઅર્સ છે પરંતુ જીવનમાં કોને અનુસરવું એ સ્પષ્ટ નથી. પરિણામે યુવાનોમાં અસ્થીરતા, તણાવ અને ગુસ્સો વધતા જાય છે. આજે યુવાનોને સૌથી વધુ જરૂર નોકરી અને પૈસાની નથી, એ તો મળી જશે પરંતુ માનવજીવનના મૂલ્યો કયાંથી મળશે? ટેકનોલોજી તો હાથમાં છે પરંતુ સંવેદના કયાંથી આવશે? મોબાઈલમાં પતિ-પત્ની ચેટ નથી કરતા બંને અલગ અલગ પાત્રોને ચેટ કરતા થયા છે. સંસ્કાર શાળા કે કોલેજમાંથી પુરતા મળતા નથી. આ બધું પેલી ડેલી ઉપર બેસતા વડીલો, ઘરના મોભીઓ પાસેથી સંવાદમાં મળતું હતું.
હવે પ્રશ્ન એ છે કે ગામડાઓની શેરીઓ, ઘરની ડેલી ઉપર લાગતા અલીગઢી તાળાઓ, મેડીબંધ મકાનો આ ફરી જીવંત બની શકે ? શું એ
સંસ્કૃતિ ફરી પાછી આવી શકે? જવાબ છે હા. જા મારા દેશનો યુવાન આગળ આવે તો ડેલી ફરી ઈંટ-પથ્થરની બને એ જરૂરી નથી પરંતુ ડેલી જેવી વિશ્વસનીય વિચારધારા ફરી ઉભી થવી જરૂરી છે. ગામડાઓમાં, ફળીયામાં, સમાજમાં એવી જગ્યા હોવી જાઈએ જ્યાં પરિવારના તમામ સભ્યો સાથે બેસીને દિવસભરની ચર્ચા અને કાલે પરિવાર શું કરશે તેનું આયોજન અને સંવાદ થાય તો પરિવારો તૂટતા બચી શકે છે.
આજનો યુવાન ગામડામાંથી પોતાની ઓળખ ઉભી કરે, ભવિષ્યની ચિંતા વિના ભવિષ્યનું નિર્માણ કરે, સાંજે મોબાઈલ બાજુ ઉપર મૂકીને વડીલો સાથે બેસે, એક નાનો વિચાર મંચ ગ્રામજનો સાથે ઉભો કરે. યુવાનો ગામડાઓને સમજે, વતનની માટીની મહેકમાં પોતાના પરિવારને લઈને વાર-તહેવારો કે વેકેશન ગામડામાં વિતાવે તો ગામડું સંસ્કૃતિ સાથે જીવંત બનશે.
ગામડાઓની ડેલીઓ આજે ભલે બંધ રહી પરંતુ જ્યારે જ્યારે મહાનગરો ઉપર પૂર-હોનારત કે પ્લેગ કોરોના જેવા કાળમાં ગામડાઓની બંધ ડેલીઓએ જ બધાને સાચવ્યા હતા. આજે ગામડાઓને જરૂર છે યુવાધનની જે ગામડાઓ તરફ પાછા વળે. ગામડાઓ ભાંગી ગયા પછી શહેરોની સિમેન્ટ, કોન્ક્રિટની ઈમારતો અને એમાં રહેતા પરિવારો પશ્ચિમી
સંસ્કૃતિનો શિકાર ઝડપથી બની રહ્યા છે. મોબાઈલ પરિવારોને વેર-વિખેર કરી રહ્યો છે ત્યારે ર૦ર૬ વર્ષમાં સંકલ્પ કરીએ કે જેનું બાળપણ, યુવાની ગામડામાં વિતી છે અને આજે શહેરોમાં સુખી છે એવા લોકો ગામડાના બંધ ઘરની ડેલીઓ ખોલવા અને સુખના સ્વપ્નનું વાવેતર કરવા ગામડાઓની ડેલીઓ ફરીથી ખોલશે.
ઃઃ તિખારો ઃઃ
રૂપ, રૂપિયા અને સત્તાથી બધુ જ ખરીદી શકાય છે અને ન મળવા પાત્ર માન-સન્માન મેળવી શકાય છે. પરંતુ રૂપ, રૂપિયા અને સત્તા ગયા પછી કોઈ બોલાવતું નથી. આવા લોકોની એ વાસ્તવિકતા છે.
આભાર – નિહારીકા રવિયા










































