અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંડળીયા ગામે એક વર્ષ પૂર્વે બનેલી દુષ્કર્મની શરમજનક ઘટનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
રાજેશભાઇ ઉર્ફે (વલકુ) દેવચંદભાઇ જીયાણી, સંગીતાબેન પ્રવિણભાઇ ઝાપડીયા તથા પ્રવીણભાઇ ઝાપડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર તેના પરિવાર સાથે વાંડળીયા ગામે રહેતા હતા, તે દરમિયાન આજથી એક વર્ષ પહેલાં આ ચકચારી ઘટના બની હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સંગીતાબેન ઝાપડીયાની મદદથી મુખ્ય આરોપી રાજેશભાઈ જીયાણીએ ભોગ બનનારને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ, અલગ-અલગ સમયે બે વખત બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
આ ગુનામાં માત્ર દુષ્કર્મ જ નહીં, પરંતુ પ્રવિણભાઈ ઝાપડીયા દ્વારા પણ ભોગ બનનાર પાસે અશોભનીય અને ખરાબ માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર કૃત્યમાં એક આરોપીએ મદદગારી કરી હતી જ્યારે અન્યએ દુષ્કર્મ અને છેડતી કરી હતી. આ મામલે ભોગ બનનારે હિંમત દાખવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ આર.જી. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.