ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિ તા. ૧૬ થી ૧૮ ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ગીરસોમનાથ જિલ્લાના અભ્યાસ પ્રવાસે જશે. જે અંતર્ગત આ સમિતિ અભયારણ્ય અને મરીન નેશનલ પાર્ક સહિતના વિવિધ સ્થળોની મુલાકાત કરીને સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ, દરિયાઈ સૃષ્ટિના જતન–સંવર્ધન, એશિયાટિક સિંહોના વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. આ ઉપરાંત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો સાથે વિવિધ મુદ્દાઓ પર સંવાદ કરશે તેમ, ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયું છે.સમિતિનો અભ્યાસ પ્રવાસ સંભવિત રીતે તા. ૧૬ ડિસેમ્બર, મંગળવારના રોજ જામનગરથી શરૂ થશે. જામનગર ખાતે સમિતિ વનતારાની મુલાકાત લેશે, જ્યાં વન્યજીવન સંરક્ષણ, પ્રાણીઓની સંભાળ અને પર્યાવરણ સંબંધિત નવી પહેલોની જાણકારી લેવામાં આવશે. વનતારા પ્રોજેક્ટ રાજ્યમાં વન્યજીવન જતન માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે અને ત્યાંની કામગીરી અંગે સમિતિ વિશેષ રસ દાખવશે.અભ્યાસ પ્રવાસના બીજા દિવસે, તા. ૧૭ ડિસેમ્બરના રોજ સમિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મરીન નેશનલ પાર્કની મુલાકાત લેશે. ગુજરાતનો આ એકમાત્ર મરીન નેશનલ પાર્ક દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અહીં સમિતિ દરિયાઈ પર્યાવરણ, પ્રવાલ ભીતિઓ, સમુદ્રી જીવજંતુઓ અને માનવીય પ્રવૃત્તિઓના પ્રભાવ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે.સમિતિ પોરબંદરના બરડા અભયારણ્યની પણ મુલાકાત લેશે. બરડા અભયારણ્ય વન્યજીવન અને વનીકરણ માટે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. અહીં સામાજિક વનીકરણ, વૃક્ષારોપણ અને સ્થાનિક પર્યાવરણ જતન અંગે કરવામાં આવેલા પ્રયાસોની સમીક્ષા કરવામાં આવશે.અભ્યાસ પ્રવાસના અંતિમ દિવસે, તા. ૧૮ ડિસેમ્બરના રોજ સમિતિ સોમનાથ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ સાસણ ગીર પહોંચશે. ગીર એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન હોવાથી, અહીં સિંહોના સંરક્ષણ, વસતી વ્યવસ્થાપન, માનવ-વન્યજીવન સંઘર્ષ અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવશે. ગીર ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈને સિંહ સંરક્ષણ માટેના ખર્ચ અને યોજનાઓની અસરકારકતા અંગે ચર્ચા કરવામાં આવશે.યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ સમિતિ સંભવિત તા. ૧૬ ડિસેમ્બર, મંગળવારના રોજ જામનગર ખાતે આવેલા વનતારાની મુલાકાત લેશે. બીજા દિવસે તા. ૧૭ ડિસેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા મરીન નેશનલ પાર્ક અને પોરબંદરના બરડા અભ્યારણની મુલાકાત લેશે. પ્રવાસના અંતિમ દિવસ એટલે કે તા. ૧૮ ડિસેમ્બરના રોજ આ અંદાજ સમિતિ સોમનાથ મંદિર અને સાસણ ગીરની મુલાકાત લેશે.