અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત (અમરેલી) સંચાલિત લેઉવા પટેલ ટ્રસ્ટ સ્કૂલ–કોલેજ વિભાગ દ્વારા ચક્કરગઢ રોડ સ્થિત શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ (ગર્લ્સ) ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા પ્રાયોજિત અને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં નાટ્ય અકાદમી દ્વારા અહીં એક ખાસ નાટ્ય શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાટ્યકલાકારોએ પોતાની કલાના માધ્યમથી લોહપુરુષ સરદાર સાહેબના જીવનના વિવિધ પ્રસંગોને આબેહૂબ રીતે રજૂ કર્યા હતા. નાટકમાં સરદારના બાળપણથી લઈને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભજવેલી તેમની મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભૂમિકાના જીવંત દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.






































