જીવનરૂપી ફૂલની ચાર પાંખડીઓ એટલે બોલવું, સાંભળવું, સમજવું અને સહન કરવું. માણસ જન્મથી જ આ ચાર બાબતો ધીમે ધીમે શીખતો જાય છે. આ ચારેય મૂલ્યો એક ફૂલની ચાર પાંખડીઓ જેવા છે. એમાંથી એક ખરી જાય તો ફૂલની શોભા ઘટી જાય છે પણ ચારેય ભેગી હોય તો ફૂલ અતિ સુંદર લાગે છે. જીવનમાં પણ આ ચારેય ગુણો એક સાથે આત્મસાત કરી લઈએ તો જીવનરૂપી ફૂલ મીઠા સંબંધોની સુવાસથી ખીલી ઊઠે છે. આ ચાર ગુણ એવા છે જે એકબીજા પર આધારિત છે અને માણસને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે. આ ચાર ગુણ પર ચાલતું જીવન હંમેશા સુખી, શાંત અને સંતુષ્ટ હોય છે. ચાલો, આ ચાર ગુણને જીવનના વિવિધ ઉદાહરણો સાથે સમજીએ.
બોલવું —બોલવું એક “કલાકારી” છે, માત્ર મોં ખોલવાનું “કામ” નથી. માણસનો પ્રાથમિક પરિચય એની બોલી પરથી થાય છે. શબ્દો સસ્તા હોય છે, પરંતુ તેનો પ્રભાવ અમૂલ્ય હોય છે. શબ્દો પાસે અજબ શક્તિ હોય છે. એ ઘાયલ પણ કરી શકે છે અને ઘાવનો મલમ પણ બની શકે છે. ધારદાર છરી કરતાંય શબ્દો વધારે જોખમી હોય છે કારણ કે છરી શરીરને ઇજા પહોંચાડી શકે છે, જે ઘા સમય જતાં રુઝાઈ જાય છે જ્યારે શબ્દોની ઇજા મન અને હૃદયને જખમી કરે છે, જે જલ્દી ભૂલાતા નથી. આમ ક્યારે, ક્યાં, કોને, કેટલું બોલવું એ માનવીના સંસ્કાર બતાવે છે. માટે જ્યાં શબ્દોમાં નિયંત્રણ હોય ત્યાં સંબંધ લાંબો સમય ટકી રહે છે. ઉદાહરણ જોઈએ તો એક સરકારી શાળામાં શિક્ષક છઠ્ઠા ધોરણના બાળકો સમક્ષ બોલ્યાઃ“તમારામાં અણમોલ શક્તિ છે; કોઈની સામે હાર માનવાની જરૂર નથી.”એક સીધાસાદા, શાંત બાળક માટે આ વાક્ય તેના જીવનનો પ્રથમ “ટર્નિંગ પોઇન્ટ” બની ગયું. વર્ષો બાદ એ જ બાળક અધિકારી બન્યો અને કહેતોઃ“મારી અંદરનો આત્મવિશ્વાસ એ શિક્ષકના એક જ વાક્યે જગાડી આપ્યો.” શબ્દોનું મૂલ્ય અહીં સમજાય છે. આમ શબ્દો તારે’ય છે ને શબ્દો મારે’ય છે. શબ્દો જોડે પણ છે અને તોડે પણ છે.
જીવનની બીજી શક્તિ એટલે સાંભળવું — જ્યાં શબ્દ નહીં, “વેદના” સંભળાય છે. સાંભળવું એ સંબંધોનું મૂળ છે, સમજદારીનું પ્રથમ લક્ષણ છે. સાંભળવાની આદત બહુ ઓછા લોકોમાં હોય છે. કોઈને શાંતિથી સાંભળવા એ એમનું બહુ મોટું સન્માન જાળવ્યું ગણાય, કારણ કે અત્યારે કોઈ કોઈની વાત પૂરી સાંભળતા જ નથી અને અધૂરી વાતે ઉતાવળે જવાબ આપવાથી જ સંબંધો બગડે છે. ઘણા લોકો સાંભળે છે, પણ સમજવા માટે સાંભળતા લોકો બહુ ઓછા છે. દરેક લોકો એવું ઈચ્છે છે કે મારી વાત બધા શાંતિથી સાંભળે. ઘણીવાર કોઈની આખી વાત ન સાંભળવી એ એનું અપમાન કર્યા જેવું ગણાય છે. ક્યારેક કોઈની ઉગ્ર રાવ કે ફરિયાદ શાંતિથી સાંભળીને જવાબમાં થોડું પણ ધીમેથી, નમ્રતાથી અને મીઠું બોલવાથી એમની શંકાનું સમાધાન થઈ જાય છે, ગુસ્સો શાંત થઈ જાય છે અને સંબંધો જળવાઈ રહે છે.
ત્રીજી મહત્વની શક્તિ એટલે સમજવું — સમજવું એટલે પરિસ્થિતિને દિલથી વાંચવાનો ગુણ. સમજણ એ બુદ્ધિ કરતાં મોટી છે કારણ કે બુદ્ધિ સવાલ પૂછે છે, પણ સમજણ જવાબ આપતી હોય છે. એક સેકંડની સમજણ એક કલાકથી માંડીને આખી જિંદગીના ઝઘડાથી બચાવી લે છે. સમજવું એટલે સામેવાળી વ્યક્તિના શબ્દો પાછળની લાગણી સમજવી અને એથીય વિશેષ સંબંધોમાં એકબીજાની પરિસ્થિતિ સમજવી. જ્યારે આપણે લોકોની પરિસ્થિતિને સમજીએ છીએ ત્યારે ગુસ્સો આપોઆપ ઓગળી જાય છે. ઓફિસે મોડા આવતા સહકર્મચારી, શાળામાં મોડું આવતું બાળક કે વહેવારમાં ઓછી હાજરી આપનાર સંબંધીની સ્થિતિ કે પરિસ્થિતિ બરાબર સમજી શકીએ તો એમના પ્રત્યે દ્વેષ થવાને બદલે મનમાં સહનુભૂતિની લાગણી જાગે છે. આમ સમજણ એ સંબંધોનો સેતુ છે.
ચોથી શક્તિ એટલે સહનશક્તિ — સહનશક્તિ એ જીવનમાં ખૂબ મહત્વનું પરિબળ છે. સહન કરવું એ મનની સૌથી મહાન શક્તિ છે. સહનશીલતા એ તાકાત છે કમજોરી નથી. જે માણસ પોતાના ક્રોધને જીતી શકે તે લોકોના દિલ જીતીને જીવનમાં સંબંધોને જીતી શકે છે. કોઈ ગાડી થોડી અથડાઈ જાય અને આપણે તરત ચીસ પાડીએ,“નજરે નથી આવતું?!” પરિસ્થિતિ તત્કાળ ઝઘડામાં બદલે છે. જો એ જ ક્ષણે સહન કરીએ, “ભાઈ, ચાલો, થઈ ગયું. ધ્યાન રાખજો,” તો વાત સમાપ્ત થઈ જાય. પતિ–પત્ની વચ્ચેના ઝઘડામાં જો એક વ્યક્તિ એ ક્ષણે ચૂપ રહી જાય, તો સંબંધ તૂટવાથી બચી જાય. સહન કરવું એ હાર નથી, એ તો સંબંધને બચાવવાનો નેક રસ્તો છે. સહન કરવું એટલે દુર્બળતા નહીં, સહનશીલતા એ મજબૂત માણસનું આભૂષણ છે. જગતમાં કોઈપણ સંબંધ લાંબા ચાલે છે જેની પાસે સહન કરવાની ક્ષમતા વધુ હોય છે. એક વૃદ્ધ દંપતીને પૂછવામાં આવ્યું કે “તમારા લગ્ન ૫૦ વર્ષ કેવી રીતે ટક્યા?” વૃદ્ધે સ્મિત સાથે કહ્યું, “અમે એ સમયના લોકો છીએ જ્યારે કંઈ તૂટે તો ફેંકી દેતા નહોતા, તેને સુધારીને ફરી ઉપયોગ કરતા હતા.” આ જ છે સહન કરવાની તાકાત, જે સંબંધોને ફરીથી જીવંત  બનાવે છે. જે વ્યક્તિ આ ચારેયની કળા શીખી જાય, એ જીવનમાં પણ સફળ થાય અને સંબંધોમાં પણ રાજા બની જાય. આ ચાર ગુણો સાથે જીવતો માણસ જીવનમાં ક્યારેય એકલો પડી જતો નથી.