અમરેલી જિલ્લામાં એસ.ટી. નિગમ દ્વારા તાજેતરમાં ૧૮ નવી બસો ફાળવવામાં આવી હતી. જે પૈકી બગસરા-ધારી ડેપોને ૩-૩ નવી બસો મળી છે. ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયા દ્વારા આ નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યના કહેવા મુજબ આ નવી બસોને લાંબા અંતરમાં મુકવામાં આવશે જેથી લોકોને મુસાફરી કરવામાં સરળતા રહે. ડેપો મેનેજર એન.એસ. ગઢવીએ જણાવ્યું હતું કે, આ નવી બસો બગસરા કૃષ્ણનગર, બગસરા સુરત જેવા રૂટ પર ચલાવાશે. આ ડેપોમાં કુલ ૫૧ બસો હતી, જે વધીને ૫૪ થઈ છે જેમાંથી કુલ ૪૩ રૂટ ઉપર બસ સેવા ચલાવવામાં આવે છે. હાલમાં બગસરા ડેપોમાં ૩૦ ડ્રાયવર અને ૨૧ કંડક્ટરની ઘટ છે. જેના લીધે તમામ બસોનું સંચાલન કરવું શક્ય નથી. જો આ ઘટતો સ્ટાફ આપવામાં આવે તો આ તમામ રૂટ પર બસ સેવા કાર્યરત થઈ શકે એમ છે. ધારી-બગસરા વિધાનસભાના ધારાસભ્ય જે.વી. કાકડીયાએ ધારી બસ સ્ટેન્ડ ખાતે ત્રણ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારી તાલુકા અને શહેર ભાજપના આગેવાનો અને અન્ય મહાનુભાવો અને એસ.ટી.ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




































