અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આતંક યથાવત, વનવિભાગની કામગીરી સામે સવાલ
વનવિભાગની ગંભીર બેદરકારીને કારણે શ્રમિકો પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવી રહ્યાં છે
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓનો આંતક યથાવત રહેવા પામ્યો છે. છેલ્લાં એક અઠવાડિયામાં વન્યપ્રાણીઓએ ત્રણ લોકો સામે હિંસક હુમલા કર્યા છે જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. અમરેલી, ધારીમાં વનઅધિકારીઓની બેદરકારીને કારણે નાના ભુલકાઓ વન્યપ્રાણીઓનો ખોરાક બની રહ્યાં છે. બગસરાના હામાપુર ગામની ઘટના હજુ તાજી છે ત્યાં ધારીના દલખાણીયા રેન્જના ત્રંબકપુર ગામે દીપડાએ પરપ્રાંતીય મજૂરની એક વર્ષની બાળકીને ફાડી ખાધી છે. ધારી તાલુકાના દલખાણીયા રેન્જ નીચે આવતા ત્રંબકપુર ગામે ખેતમજૂરી કરી રહેલા અર્જુનભાઈ નીનામાની એક વર્ષીય પુત્રી રીન્કુને દીપડો તેની માતાની નજર સામે જ ઉઠાવી ગયો હતો. માતાએ રાડારાડ કરતા દીપડો બાળકીને મૂકી નાસી ગયો હતો ત્યાં સુધીમાં બાળકીનું મોત નિપજ્યુ હતું. આ ઘટનાની જાણ વનવિભાગને થતા તાત્કાલિક વનવિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે ૭ પાંજરા મુક્યા છે. બાળકીના મૃતદેહને ધારી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આમ, વન્યપ્રાણીઓના હુમલાઓ યથાવત રહેતા વાડીમાં કામ કરતા શ્રમિકોમાં ભયનો માહોલ છવાયો છે જયારે વનવિભાગની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે.






































