કોર્ટમાં પત્ની સાથે ચાલતા કેસની મુદ્દત દરમિયાન થયેલા ઝઘડા અને ધમકીના કારણે લાગી આવતા વડીયા તાલુકાના કોલડા ગામના એક યુવકે ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી. હાલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, કોલડા ગામે રહેતા એક યુવક વિરુદ્ધ તેમના પત્ની ઉર્મિલાબેને અમરેલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તા. ૨૧/૧૧/૨૦૨૫ ના રોજ સવારના આશરે ૧૧ વાગ્યે ભોગ બનનાર યુવક સુરતથી અમરેલી કોર્ટની મુદતે આવ્યો હતો. કોર્ટમાં તેમની પત્ની ઉર્મિલાબેન અને તેમની સાળી રેખાબેન પ્રેમજીભાઈ ખેતરીયા હાજર હતા. બપોરના આશરે ૧ વાગ્યે કોર્ટની મુદ્દત પૂર્ણ કરીને યુવક બહાર નીકળી રહ્યો હતો, ત્યારે પત્ની અને સાળીએ તેમને અટકાવ્યો હતો. બંને મહિલાઓએ યુવકને ધમકી આપતાં કહ્યું હતું કે, તને તો જીવવા દેવો નથી અને જાનથી મારી નાખવો છે અને તું ૧૦ લાખ રૂપિયા આપીશ તો જ તને છૂટાછેડા આપીશું.યુવકે કોલડા ગામના પોતાના મકાન પાસે જઈને ફિનાઈલની બોટલમાંથી બે ઘૂંટડા પી લીધા હતા. ફિનાઈલ પી લેતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે યુવકના પત્ની ઉર્મિલાબેન અને સાળી રેખાબેન પ્રેમજીભાઈ ખેતરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.










































