ધોરાજીના પાંચ પીરની વાડી વિસ્તારમાં નગરપાલિકાના પાણી સાથે ડ્રેનેજ ગટરના પાણી ભળી જતા કોલેરા જેવો રોગ ફાટી નીકળ્યો છે જેને લઈ અત્યાર સુધીમાં ૩૦થી વધુ દર્દીઓ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ ચૂક્યા છે. આજે ફરી પાછા ત્રણ બાળકો અને ત્રણ વયસ્ક હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા હોવાનું હોસ્પિટલના અધ્યક્ષક ડો. જયેશ વેસેટીયને જણાવ્યું હતું. તેમણે જણાવેલ કે તમામ દર્દીઓને એન્ટીબાયોટિક, ઓઆરએસ અને આઈવીફ્‌લ્યુડની સારવાર ફિઝિશિયન અને પીડીયાટ્રીક ડોક્ટર દ્વારા આપવામાં આવી રહી છે. તમામ દર્દીઓની હાલત સ્થિર છે. સરકારી હોસ્પિટલમાં ૩૦થી વધુ દર્દીઓ સારવાર લઈ ચૂક્યા છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો આંકડો ચોક્કસ જાણવા મળેલ નથી.