ધોરાજી પાંચ પીરની વાડી વિસ્તારમાં બે કિલોમીટરની ત્રિજ્યામાં કોલેરાગ્રસ્ત ક્લસ્ટર ગણી જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી ઓથોરિટી ઓફિસર તરીકે મામલતદારની નિમણૂક કરતા મામલતદારે આરોગ્ય, રેવન્યુ, પોલીસ, પાલિકા, આરોગ્ય વિભાગ સહિત સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓની તાકીદે બેઠક બોલાવી હતી. ધોરાજી મામલતદાર પંચાલે જણાવ્યું હતું કે કોલેરા નિયંત્રણ બાબતે સોમવારે મામલતદાર કચેરી, ધોરાજી ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર ધોરાજી સીટી પોલીસ સ્ટેશન સાથે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામાનું કડકપણે અમલીકરણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમજ વહેલાસર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવે તેવા પ્રયાસો હાથ ધરવા માટે મંત્રણા કરવામાં આવી હતી.










































