દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં ‘સરદાર @ ૧૫૦’ અંતર્ગત યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. આંબેડકર સર્કલથી પ્રસ્થાન થયેલી આ પદયાત્રાને BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોના વરદ હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યુનિટી માર્ચમાં અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, કિસાન મોરચાના રાષ્ટ્રીય મંત્રી બાબાભાઈ જેબલીયા, ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ગુજરાત નિયંત્રિત બજાર સંઘના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, ટીંબી માર્કેટ યાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ, રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ નનકાદાદા, ક્ષત્રિય સમાજ અગ્રણી રવુભાઈ ખુમાણ અને પ્રાંત અધિકારી ડા. મેહુલકુમાર બરાસરા સહિતના મહાનુભાવો જોડાયા હતા. રાજુલા શહેર અને તાલુકામાંથી બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. પદયાત્રાનું અલગ અલગ સ્થળોએ બ્રહ્મ સમાજ, આહીર સમાજ, ભરવાડ સમાજ, પટેલ સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ અને કોળી સમાજ દ્વારા ઉત્સાહભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. શહીદ ચોક ખાતે સ્કૂલની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. કુલ ૮ કિલોમીટર કરતાં વધુ અંતરની આ પદયાત્રાનું સમાપન બાલક્રિષ્ના સ્કૂલ ખાતે થયું હતું. સમાપન પૂર્વે સ્કૂલના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બાબાભાઈ જેબલીયા દ્વારા શાબ્દિક પ્રવચન અને સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.