રાજ્ય સરકાર દ્વારા ડ્રીપ ઈરીગેશન માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવા સહાયક યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ, સામાન્ય ખેડૂતને ૫૦% ખર્ચ પર મહત્તમ રૂ. ૫૦,૦૦૦ અને અનુસૂચિત જાતિ/જનજાતિના ખેડૂતને ૭૫% ખર્ચ પર મહત્તમ રૂ. ૭૫,૦૦૦ સહાય આપવામાં આવી રહી છે. આ યોજના સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા અને ડ્રીપ સેટ સહિત હાથ ધરવામાં આવશે. ખેડૂતોએ “મારી યોજના પોર્ટલ” પર ઓનલાઇન અરજી કરવી પડશે, જેમાં ૭/૧૨નો દાખલો, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, બેંક પાસબુક/રદ ચેક સહિત જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આ યોજના ખાસ કરીને અમરેલી જિલ્લાના બાગાયત ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિથી વધુ સુગમ પિયત માટે લાભ લેવા માટે એક મોટો અવસર છે. વધુ માહિતી માટે ખેડૂતો નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરી શકશે.











































