બગસરાથી બાબાપુર રોડ સુધી મસમોટા ખાડાઓ હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જયારે ગાવકડા ગામ નજીક હાઈવે પર થીંગડા મારવાનું કામ શરૂ કરવામાં આવતા વાહનચાલકોને આંશિક રાહત થઈ છે.
બગસરાથી અમરેલી જવાનો માર્ગ બિસ્માર બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેમાં ખાસ કરીને બગસરા ગામથી બાબાપુર સુધી માર્ગ પર મસમોટા ખાડાઓ હોવાથી વાહનચાલકોને વાહન ક્યાં ચલાવવુ તે એક પ્રશ્ન છે. હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કર્યા બાદ ગાવડકા ગામ પાસે રોડ પર થીંગડા મારવાનું કામ ચાલુ છે તો જાળીયા ગામના પાટીયા પાસે હાઈવે પર પુલ બનાવવાનું ગોકળગાય ગતિએ કામ ચાલુ હોવાથી વાહનચાલકોમાં રોષ ફેલાયો છે. જયાં સુધી માર્ગનું નવીનીકરણ કરવામાં ન આવે ત્યાં સુધી બગસરાથી બાબાપુર સુધીના માર્ગ પર થીંગડા મારવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યાં છે. આ અંગે ડેપ્યુટી એકઝીક્યુટીવ એન્જીનિયરને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ટ્રેકટરમાં ડામર ભરી ખાડા બૂરવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે પરંતુ આ માર્ગ પર કોઈ ખાડાઓ બૂરવામાં ન આવ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. આમ, ડેપ્યુટી એકઝીક્યુટીવ એન્જીનિયરને પણ ખાડાઓ બૂરવામાં આવે છે કે નહી તેની કોઈ જ માહિતી ન હોવાનું સામે આવ્યું છે.










































