ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસીમાં ગઈકાલે મંગળવારની મધરાત્રે થયેલા પ્રચંડ બ્લાસ્ટથી સમગ્ર વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો. વી.કે. ફાર્મા નામની કંપનીમાં થયેલા આ વિસ્ફોટ બાદ વિકરાળ આગ ભભૂકી ઊઠી હતી. અડધી રાત્રે અચાનક થયેલા ધડાકા સાથે આખો વિસ્તાર કંપી ઉઠ્યો હતો, જેના કારણે કામદારોમાં અફરા-તફરી મચી ગઈ હતી. આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેની અસર છ કિલોમીટર સુધી અનુભવાઈ હતી.
આ ઘટનામાં બે કામદારોનાં મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે કામદારો હજુ લાપતા હોવાનું જાણવા મળે છે. સાયખા ગામના સરપંચ જ્યવિરસિંહ રાજએ આ ઘટનાને લઈ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે,“સાયખાની અનેક કંપનીઓ પરવાનગી મુજબના ઉત્પાદન કરતા નથી, તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જા સમયસર દેખરેખ રાખવામાં આવી હોત તો આવી દુર્ઘટના ટાળી શકાત. ગામ લોકોના આરોપોને લઈને પ્રતિક્રિયા આપનું જીઆઇડીસીના અધિકારીએ ટાળ્યું હતું. તેમણે કહ્યું કે, અમારા રિપોર્ટમાં જે કંઈપણ હશે તે મેન્શન થશે.
વી.કે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ થઈ હતી કે તેમાંથી નીકળતા ધૂમાડાના ગોટેગોટા દૂર દૂરથી આકાશમાં દેખાતા હતાં. ૧૫થી ૨૦ સેકન્ડ સુધી સતત ધડાકાના અવાજ આવતા આસપાસના વિસ્તારના લોકો ભય અનુભવવા લાગ્યા હતાં. રાત્રિના સમયે વાગરા, દહેજ, અંબેટા, કડોદરા સુધી ધડાકાના અવાજ સ્પષ્ટ સંભળાયા હતા. ઘણા લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા.વિસ્ફોટ બાદ આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. તરત જ સાયખા અને દહેજની ફાયર બ્રિગેડ ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આગ એટલી જબરદસ્ત હતી કે, આગનેને કાબુમાં લેવા ૮ જેટલા ફાયર ટેન્ડરોને ૭ કલાકથી વધુ સમય લાગ્યો. સતત રસાયણિક ધડાકાઓના કારણે આગ બુઝાવામાં મુશ્કેલી આવી હતી.ઘટનાની જાણ થતા જ સમયે જ ફાયર વિભાગ, જીઆઇડીસીના અધિકારીઓ તેમજ જિલ્લા તંત્ર દ્વારા રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તરત જ
આભાર – નિહારીકા રવિયા વાગરા, ભરૂચ અને અંકલેશ્વરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા. અધિકારીઓએ પ્રાથમિક તબક્કે જણાવ્યું હતું કે, બ્લાસ્ટનું કારણ કેમિકલ રિએક્શન અથવા પ્રેશર વધવાથી થયેલો ધડાકો હોઈ શકે છે, પરંતુ સાચું કારણ જાણવા માટે ફોરેન્સિક તપાસ ચાલુ છે.
વી.કે. ફાર્માની આસપાસ આવેલી ૫થી વધુ કંપનીઓને પણ આ બ્લાસ્ટની અસર પહોંચી હતી. ઘણી કંપનીઓના શેડના પતરા ઉડી ગયા હતા, બારીઓ તૂટી ગઈ અને પ્રોડક્શન યુનિટને ગંભીર નુકસાન થયું હતું. અંદાજે લાખો રૂપિયાનું મટિરિયલ અને મશીનરી બળી ગઈ હોવાનો અંદાજ છે. સ્થાનિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સાયખા આ પ્રકારના અકસ્માતો વધ્યા છે, અને સેફ્ટી પ્રોટોકોલને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.સાયખા અને આસપાસના ગામોમાં મધરાત્રે અચાનક થયેલા ધડાકાના અવાજથી લોકો ચોંકી ઊઠ્યા હતા. ઘણા લોકોએ ધરતી ધ્રુજી ઉઠ્યાનો અનુભવ કર્યો હતો. સાયખા, તંત્રાલા, અમરપુર અને ટંકારી સુધી બ્લાસ્ટના પ્રભાવની અસર સ્પષ્ટ જાવા મળી હતી. સોશિયલ મીડિયામાં બ્લાસ્ટના વીડિયો વાયરલ થતાં સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી.જિલ્લા કલેક્ટર અને ફોરેન્સિક ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે મૃતકના મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે.અધિકારીઓએ જણાવ્યું કે, સેફ્ટી નોર્મ્સના ઉલ્લંઘન અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. જા ઉદ્યોગ સંચાલકોએ નિયમોનું પાલન ન કર્યું હોય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.







































