ગિરનાર પર્વત એ ગુજરાતના જૂનાગઢથી પાંચ કિલોમીટર ઉત્તરે આવેલ પર્વત છે. જ્યાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. પર્વતમાં પાંચ ઊંચા શિખર આવેલાં છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈએ આવેલાં છે. જેથી ગિરનાર ગુજરાતનો ઉંચામાં ઉંચો પર્વત મનાય છે. ઉપરોક્ત પાંચ પર્વત પર કુલ મળી ૮૬૬ જેટલાં મંદિર આવેલાં છે. પથ્થરના દાદરા અને માર્ગ એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયાં છે, પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ ઉપરાંત પગથિયાં છે. કેટલાક શ્રદ્ધાળુઓનું માનવું છે કે, ખુલ્લા પગે ગિરનારનાં પગથિયાં ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
સમયનાં વહેણ સાથે જૂનાગઢ પર ઘણા રાજાએ રાજ કર્યું. ઈ.સ.૧૧૫૨ આસપાસ રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયાં બનાવ્યા, બાદમાં સમયનાં વહેણની સાથે હાલ ખૂબ સારાં પગથિયાંનું નિર્માણ થયેલું છે. ગિરનાર પર્વતની સામે દશ-અગિયારમી સદીથી અકબંધ ઉભેલો ઉપરકોટનો કિલ્લો પણ ગિરનારનું નજરાણું છે. રાજા રા’ગ્રહરિપુએ બંધાવેલા આ કિલ્લાએ સોરઠનાં સત્તાપલટા, અનેકગણા ખંડન-મંડન નિહાળ્યા છે. એક એવી કથા પ્રચલિત છે કે, જયારે સિદ્ધરાજ જયસિંહએ જૂનાગઢ પર ચડાઇ કરી અને રાજા રા’ખેંગારને મારી તેની રાણી રાણકદેવીને લઇને જતો હતો, ત્યારે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું કે,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો,
મરતા રા’ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો.
અર્થાત્: તારો રાજા હણાયો છતાં તું હજી ઊભો છે. ત્યારે ગિરનાર પડવા માંડ્‌યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા કહ્યું, ‘પડ મા પડ મા મારા આધાર.’ ત્યારે ગિરનાર સ્થિર થઇ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા-પડતા અટકી ગઇ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ પર આ શિલાઓ જોવા મળે છે.
– પુરાણમાં:પુરાણકારોએ ગિરનારને બિરદાવ્યો અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગી, સંતો, સિધ્ધો અને સાધુઓનું નિવાસસ્થાન એવા ગિરનારની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણમાં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વતના નામે ઉલ્લેખ કરાયો છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે, કેમ કે અહીં વસ્ત્રોનો ત્યાગ કરી સિધ્ધોએ તપ કર્યું હતું તેથી તેને વસ્ત્રાપથ કહે છે. ગિરનારની સીમાઓ ઉત્તરે ભાદર, દક્ષિણે બિલખા, પૂર્વમાં પરબધામ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક કથા મુજબ, પહેલાં પર્વતને પાંખો હતી અને તે ઉડતા હતા. ઇન્દ્રએ બધા પર્વતની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકામાં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા અને વનવાસ દરમિયાન જ્યારે અર્જુન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અહીંથી સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
-ગિરનાર પરિક્રમાનું મહત્વ : ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણાં છે. સંત-શુરા અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે, જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા, કવિ-સાહિત્યકારો અને જગવિખ્યાત ગીર સાવજની મહેક પ્રસરે છે. આવી ધરતીના માથે ઘણાં વર્ષોથી યોજાતી પરિક્રમા નિયમિત દરવર્ષે યોજાય છે. જેને લીલી પરિક્રમા કહે છે. ગિરનાર પર્વત ફરતે ૩૬ કિ.મી. વિસ્તારમાં યોજાતી ચારદિવસીય પરિક્રમામાં દેશભરમાંથી ભકતો ઉમટી પડે છે. કારતક સુદ અગિયારસથી આરંભાતી આ પરિક્રમા પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે પૂરી થાય છે. પહેલાંના વખતમાં માત્ર સાધુ-સંતો જ કોઈ જાતના સરસામાન લીધા વિના ખાલી હાથે આ પરિક્રમા કરતા હતા. પરિક્રમા દરમિયાન પૂજા-પાઠ, ભજન-કીર્તન અને ધાર્મિક સત્સંગ પણ યોજાતા. સમયાંતરે ગિરનારની શ્રદ્ધામાં વૃદ્ધિ થતાં આ પરિક્રમામાં સંસારી લોકો જોડાવા લાગ્યા. જેમાં ભોજન પ્રસાદ માટે સામાજીક સંસ્થાઓનાં અન્નક્ષેત્ર ખુલતા ગયા.
આ પરિક્રમાનું મહત્વ એટલે વધી રહ્યું છે કે, આ ધાર્મિક સ્થળે એક સાથે અલગ-અલગ રાજ્ય, રીતરિવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્કૃતિને જાણવા-માણવાની તક મળે છે. શહેરની સુખ-સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈઓની વચ્ચે ખળખળ વહેતાં ઝરણાંની સાથે કલરવતાં પક્ષીઓ સાથે પ્રકૃતિના ખોળામાં થોડા દિવસો વીતાવવાની લાખેણી તક મળે છે. જ્યાં તમામ દુઃખ ભૂલી પુણ્યનું ભાથું બાંધવા માટે સત્યને પામવા યોજાતી આ પરિક્રમાના માર્ગમાં કેડીઓ, ધુળિયા રસ્તા, ડુંગર, નાનાં-મોટાં ઝરણાં, સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ, કુદરતી સૌંદર્ય અને ચોમેર ફેલાયેલી હરિયાળીથી મન-મગજ પ્રફુલ્લિત બની મંત્રમુગ્ધ બની જાય છે. આ પરિક્રમાનો માર્ગ કયારે પૂર્ણ થઈ જાય છે.? થાક ક્યાં ગાયબ થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી.
જૂનાગઢમાં ભવનાથની તળેટીમાંથી આરંભાતી લીલી પરિક્રમા ધરતીને ખુંદતી ખુંદતી, પ્રકૃતિને નિહાળતી-નિહાળતી અને આનંદ-પ્રમોદ કરતી-કરતી આગળ વધે છે. માર્ગમાં વડલીવાલા માતાજીની જગા, જીણાબાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણાબાવા સંત ધુણી ધખાવીને રહેતા હતાં. જેમના નામ પરથી આ નામ પડયું છે. પહેલાં અહીં એક ઝૂંપડી હતી. આજે અહીં શિવ મંદિર અને જીણાબાવાનો ધુણો આવેલો છે. આડે દિવસે કોઈ માણસ જોવા ન મળે, ત્યાં લાખો માણસો પરિક્રમા કરતા જોવા મળે છે. માર્ગમાં ઘણી બધી સામાજીક સંસ્થાનાં અન્નક્ષેત્ર આવે છે.
પદયાત્રીઓ જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરૂદત્તના નારા લગાવતાં આગળ વધે છે. સાંજે જંગલની ગીચ ઝાડીમાં પણ જગા શોધી માળવેલામાં રોકાણ કરે છે. જંગલની મધ્યમાં આવેલું આ સ્થળ રમણીય છે. અહીં ખૂબ ઊંચી વેલ થાય છે, જ્યાં દિવસનાં સૂર્ય કિરણો પણ પહોંચતાં નથી તેથી તેનું નામ માળવેલા પડ્‌યું છે. જ્યાં રાત્રે ભજનિકો ભજન-કિર્તન અને રાસમંડળીની જમાવટ કરે છે. યાત્રિકો પોતાનો થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળે ઉતારે છે. સવારે પાછું ચાલવાનું શરૂ કરે છે. (ક્રમશઃ)

 

યાત્રિકોની વણજાર માળવેલાથી નીકળી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ ત રફ વિસામો લેતાં-લેતાં આગળ ધપે છે. સાંજે બોરદેવીમાં રાત્રી રોકાણ કરે છે. રળિયામણાં અને મનોહર બોરદેવી માતાજીની જગામાં જ્યાં ગાઢ જંગલ છે, ત્યાં બોરદેવી માતાનું શિખરબંધ મંદિર છે. મંદિરના મહંતના જણાવ્યા મુજબ સ્કંદપુરાણમાં આ જગાનો ઉલ્લેખ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના અહીં અર્જુન સાથે લગ્ન થયાં હતાં. મા જગદંબા અંબિકા અહીં બોરડીમાંથી પ્રગટ થયાં હતાં, તેથી આ જગાનું નામ બોરદેવી પડ્‌યું છે. જેની એક તરફ પાણી છે અને બીજી તરફ ગઢ છે, તેવા ગિરનારની લીલી વનરાજી જીવનનો થાક ઉતારી માનસિક શાંતિ પ્રદાન કરે છે. બોરદેવી માતાનાં દર્શન કરી રાતની મીઠી ઊંઘ માણી સવારનો પંથ કાપવાનો ચાલુ કરે છે ને ભવનાથ તરફ વળે છે. આમ યાત્રાનાં ઘણા યાત્રિકો ગિરનાર ચઢે છે. અને અહીંનાં દેવસ્થાનોનાં દર્શન કરે છે. જ્યારે કેટલાંક યાત્રિકો ભવનાથ મહાદેવનાં દર્શન કરી, દામોદર કુંડમાં સ્નાન કરી આ પદયાત્રા પૂરી કરે છે. આમ, કારતક સુદ અગિયારસથી આરંભાયેલી આ લીલી પરિક્રમાં દેવ દિવાળીના દિવસે શારીરિક ક્ષમતાની કસોટી કરીને પૂરી થાય છે.
-ભવનાથનો મેળો ઃ ભવનાથ મહાદેવ વિશે શાસ્ત્રોમાં કરેલા ઉલ્લેખ મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રમાણે જ્યારે પ્રલય થયો અને બ્રહ્માના દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ
આભાર – નિહારીકા રવિયા અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એનો વિવાદ જાગ્યો. ત્યારે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત લાવ્યા.
ગિરનારની તળેટીમાં શિવરાત્રીએ યોજાતા ભવનાથના મેળામાં ભારતભરના સાધુ-સંતો ઉમટી પડે છે. ગિરનાર ચોર્યાશી સિદ્ધોનું નિવાસ સ્થાન હોઇ, સેંકડો વર્ષથી અહીં સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ-વિદેશથી આવેલા સાધુ-સંતોમાં સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ મેળો ભરાય છે. એવી એક લોકવાયકા છે કે, અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે. ભવનાથની તળેટીમાં મહા વદ નોમથી ચૌદશ સુધી ભરાતો આ મેળો સ્વંયભૂ છે. આ મેળાના કેન્દ્રસ્થાને સંસારીઓ કરતા સાધુઓ છે. આ મેળામાં સાધુઓ માટે અખાડાની સુવિધા કરાય છે. સાધુ-સંતોના ઉતારાની સાથે સેવા પ્રવૃત્તિ કરતી સામાજીક સંસ્થા, ધાર્મિક જગાની રાવટી બનાવાય છે. ગરવા ગિરનારની ગોદમાં યોજાતા આ મેળામાં આવતા સાધુ-સંતો પૈકી ઘણા સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે.
વર્ષોથી યોજાતા ભવનાથના મેળામાં જેરામબાપાનો ગિરનારી ઉતારો, તોરણિયાનો ઉતારો, પરબનો ઉતારો, ભૂરાભગતની રાવટી, લક્ષ્મણ બારોટનો ઉતારો, ખોડિયાર રાસ મંડળની રાવટી, માખાવડનો ચીનુબાપુનો ઉતારો, તેમજ દરેક જ્ઞાતિની જગા દ્વારા સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ ભોજન સાથે રાતે સૂવાની સુવિધા કરાય છે. જ્યાં ભોજન, ત્યાં ભજન હોય જ. થોડાં-થોડાં અંતરે ભોજન સાથે યોજાનારા ભજન-કિતર્નમાં જાણીતા કલાકારો દ્વારા સંતવાણી યોજાય છે.
મેળામાં ખાણી-પીણીના સ્ટોલ તથા ભક્તિ સાથે મનોરંજનના હેતુસર જુદી-જુદી જાતના ચકડોળ, રોશની, ઝૂલા, ખેલકૂદ ગોઠવાય છે.
-નાગા બાવાઓનું સરઘસ ઃ ભવનાથનાં મેળાનું મુખ્ય આકર્ષણ એટલે રાત્રે ૯ વાગ્યે નીકળતું નાગાબાવાઓનું સરઘસ. આ સરઘસ શિવરાત્રિની રાતે ભવનાથ મંદિરની પાછળ જૂના દશનામી પંથ-અખાડા ખાતેથી નીકળે છે. નાગાબાવાઓનું આ સરઘસ છ દિવસના મેળાની ચરમસીમા છે. સરઘસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ભગવાન દત્તાત્રેયની હોય છે.
આભાર – નિહારીકા રવિયા અભાવ અખાડાના ગાદીપતિની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં ફરે છે. આ સરઘસમાં હાજર સાધુ-સંતો પોતાના રસાલા, ધર્મધજા અને ધર્મદંડ સાથે જોડાય છે. નાગાબાવાઓના ભાલા, તલવાર તથા પટાબાજીનાં ખેલ અને લાઠી પ્રયોગો જોવા લોકો ઉમટી પડે છે. આ સરઘસમાં કેટલાક નાગાબાવા પોતાની ઈન્દ્રીય વડે વાહનને ખેંચી લોકોને મંત્રમુગ્ધ કરે છે. લોકમાન્યતા મુજબ અમરાત્મા અશ્વત્થામા, પાંચ પાંડવો, રાજા ગોપીચંદ અને ભરથરી પણ સાધુવેશે આ સરઘસમાં હોય છે. આ સરઘસ ફરતું ફરતું ભવનાથ મંદિરના બીજા દરવાજેથી બાજુના મૃગીકુંડ પાસે આવે છે. ત્યાર પછી નાગાબાવા અને સાધુ-સંતો-મહંતો વારાફરતી મૃગીકુંડમાં સ્નાન કરવા પડે છે. જેમ કુંભના મેળામાં શાહી સ્નાનનું મહ¥વ છે, તેમ આ મેળામાં મૃગીકુંડમાં સ્નાનનું મહ¥વ છે. કહેવાય છે કે, આ કુંડમાં નહાવા પડેલા અમુક સાધુ બહાર આવતા નથી, અંદરથી જ અદ્રશ્ય થઈ જાય છે. અહીં સ્નાન કર્યા બાદ ભવનાથ મહાદેવના પૂજા-આરતી કરાય છે.
-મૃગીકુંડ ઃ ભવનાથ મહાદેવ નજીક આવેલા મૃગીકુંડની કથા પણ વિસ્મયભરી છે. કાન્યકુબ્જનાં રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે, હરણની માફક કૂદે છે. તેનું મોઢું હરણનું અને તન સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત પછી એ નવતર પ્રાણીને મહેલમાં લાવ્યા ને પંડીતોને એનો ભેદ ઉકેલવા કહ્યું. વિદ્વાનોને કોઈ માર્ગ ન મળતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરતા ઉર્ધ્વરેતા ઋષિ પાસે જાય છે.
ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપતાં, તેણે પોતાના ગત જન્મની વાત કરી. એ આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીમાં પડ્‌યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તેને માનવજન્મ મળ્યો. પણ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી. તેને સુવર્ણરેખાનાં જળમાં પધરાવી તેથી મૃગમુખીનું આખું શરીર માનવીનું બની ગયું. રાજા ભોજે વિદ્વાનોના આશીર્વાદ લઇ તેની સાથે લગ્ન કર્યાં બાદ પત્નીનું સૂચન માની રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં કુંડ બનાવડાવ્યો, તે આ મૃગીકુંડ.
-જૈન મંદિરો ઃ ગિરનાર પર્વત પર અનેક જૈન મંદિર પણ આવેલાં છે. જેમાં, નેમિનાથનું મંદિર, અરિષ્ટ નેમિનાથ મંદિર, મહારાજા કુમારપાળે બંધાવેલું મંદિર, વસ્તુપાળ વિહાર, સમ્રાટ સંપ્રતીએ બંધાવેલું મંદિર, ચૌમુખજી મંદિર, શેઠ ધર્મચંદ હેમચંદે બંધાવેલું મંદિર, નેમીનાથ દેરાસર…એમ ઘણાં જૈન મંદિરો અહીં આવેલાં છે.
-અંબાજી મંદિર ઃ ગિરનારનાં દર્શને આવતા દરેક યાત્રાળુ ક્યારેક શિખર સુધી ચડી શકતા નથી, પણ જમીનથી આશરે ૩૩૦૦ ફૂટની ઉંચાઈએ આવેલ અંબાજી મંદિર સુધી પહોંચી ધન્યતા અનુભવે છે. ગિરનાર ચડતી વખતે પગથિયાંની આસપાસના સ્થળને ભવનાથ તળેટી કહે છે. ત્યાંથી ચડવાની શરૂઆત કરીએ એટલે પાંડવ ડેરી, હનુમાન વાલુની આંબલી, ધોળી ડેરી, કાળી ડેરી અને ભરથરીની ગુફા આવે છે. ભરથરીની ગુફા પાસે ગિરનારમાં બરોબર અર્ધચઢાણે માળી પરબની જગા આવે છે. અહીં ૧૩મી સદીમાં બંધાયેલ કુંડ છે, તેની પાસે ખાંગો પાણો છે. ત્યાંથી ઉપરકોટ ટૂક થઈ નેમીનાથજીનાં દેરાસર આવે પછી હિંદુનાં દેવસ્થાનો શરૂ થાય છે, જેમાં પ્રથમ ભીમકુંડ આવે ત્યાંથી અંબાજી મંદિરે જતા એક રસ્તો સાતપુડા ગુફા તરફ જાય છે. જ્યાં જટાશંકરી ધર્મશાળા, નિર્મળ જળનો કુંડ, ગૌમુખી ગંગા આવે. ત્યાંથી થોડે દૂર રામાનુજ સંપ્રદાયની પથ્થરચટ્ટી નામક જગા આવે, બરોબર તેની સામે ભૈરવજપનો પથ્થર છે. તેની પાસે ઈ.સ.૧૮૨૪ માં ગિરનારમાં આવી વસેલા યોગી સેવાદાસજીની જગા છે. અહીંથી નીચે ઉતરતાં શેષાવન, ભરતવન, હનુમાન ધારાના સ્થાનક આવે છે. ગિરનાર ઉપર ચડવાનો આ જૂનો માર્ગ છે. આમ, ભીમકુંડથી અંબાજી મંદિરના માર્ગમાં આવતાં સ્થળના દર્શન કરી યાત્રાળુઓ મૂળ રસ્તે આવી અંબાજી મંદિરે પહોંચે છે. મા અંબાનું મંદિર પશ્ચિમાભિમુખ છે, જે ગુર્જર શૈલીનું છે. ભગવાન શિવ ભવનાથ રૂપે અને પાર્વતી અંબાભવાની રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે તેવી લોક માન્યતા છે. જેમ ભારતની અન્ય જગાએ ડુંગર પર મા અંબાજીના બેસણાં હોય છે, તેમ પવિત્ર ડુંગર ગિરનાર પર પણ છે.

જટ્ઠહર્દ્ઘખ્તpેિૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

આભાર – નિહારીકા રવિયા