‘વંદે માતરમ્’ને દોઢસો વર્ષ થઈ ગયાં. ભારતના રાષ્ટ્રીય ગાન ‘વંદે માતરમ્’ની રચનાને દોઢ સદી પૂરી થઈ તેની આખું વર્ષ ચાલનારી ઉજવણીનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭ નવેમ્બરે પ્રારંભ કરાવ્યો. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મોદીએ રાષ્ટ્રીય ગાનની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો બહાર પાડ્યો. સાથે સાથે એક વેબસાઇટ પણ લોન્ચ કરીને વંદે માતરમ્ના સામૂહિક ગાયન કાર્યક્રમમાં પણ ભાગ લીધો. મોદીએ આ કાર્યક્રમમાં કોંગ્રેસ પર ૧૯૩૭માં વંદે માતરમ્ના ટુકડા કરવાનો આક્ષેપ મૂકીને રાજકીય દાવ પણ ખેલી લીધો.
‘વંદે માતરમ્’ ગીતના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય છે. ‘વંદે માતરમ્’ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા આનંદમઠમાંથી લેવામાં અવ્યું છે. વંદે માતરમ્ ગીત ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ અક્ષય નવમીના શુભ દિવસે બંકિમચંદ્ર દ્વારા લખવામાં આવ્યું હતું. બંકિમચંદ્રની નવલકથા આનંદમઠ તેમના મેગેઝિન બંગદર્શનમાં પ્રકાશિત થતી હતી તેથી આ ગીત પણ સૌપ્રથમ મેગેઝિનમાં પ્રકાશિત થયું હતું. આ ગીત સંસ્કૃત અને સંસ્કૃતમય બંગાળી ભાષામાં લખાયેલું છે. એ પછી ૧૮૮૨મા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા આનંદમઠ પ્રકાશિત થઈ ત્યારે આ ગીત પુસ્તક સ્વરૂપે બહાર આવ્યું. કોંગ્રેસે ૧૯૩૭માં ભારતના રાષ્ટ્રગીત તરીકે આ ગીતના પહેલા બે અંતરાને માન્યતા આપી હતી. દેશ આઝાદ થયો પછી ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા મળી.
વંદે માતરમ્ કેમ રાષ્ટ્રગીત ના બન્યું ?
દેશની આઝાદીની લડત ચાલતી હતી ત્યારે ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગીત જેવો દરજ્જો ભોગવતું હતું. આઝાદીના જંગ વખતે તેની લોકપ્રિયતા બીજા કોઈ પણ ગીત કરતાં વધારે હતી. ‘વંદે માતરમ્’ આઝાદીની લડત, દેશભક્તિ અને ભારતમાતા તરફના આદરનું પ્રતિક બની ગયું હતું. આ ગીતે આપણને રાષ્ટ્રને માતાનો દરજ્જો આપવાની પ્રેરણા આપી છે. ભારત આપણ માટે દેશ નથી પણ માતા છે, માતૃભૂમિ છે એ વિચાર ‘વંદે માતરમ્’ ગીતના કારણે પ્રસ્થાપિત થયો.
ભારતને સ્વતંત્રતા મળ્યા પછી બંધારણ સભાએ રાષ્ટ્રગીત અંગે નિર્ણય લેવાનો હતો ત્યારે ‘વંદે માતરમ્’ જ રાષ્ટ્રગીત બનશે એવું નક્કી માનતું હતું. જો કે આ ગીત હિંદુ ધર્મને લગતું છે એવો દાવો કરીને મુસ્લિમ સંગઠનોએ વાંધો લીધો તેથી છેવટે ‘જન ગણ મન’ને રાષ્ટ્રગીત તો ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાનનો દરજ્જો અપાયો. ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભાના અધ્યક્ષ ડા. રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે, વંદે માતરમ્ ગીતે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હોવાથી તેને રાષ્ટ્રગીત જન ગણ મન સમાન માન અને દરજ્જો આપવામાં આવશે. એ વખતે વંદે માતરમ્ને ભારતનું રાષ્ટ્રીય ગીત જાહેર કરવામાં આવ્યું હતું પણ ‘જન ગણ મન’ને બદલે ‘વંદે માતરમ્’ જ રાષ્ટ્રગીત માટે વધારે યોગ્ય છે એવું આજે પણ ઘણા વિદ્વાનો માને છે.
‘વંદે માતરમ્’માં મા સરસ્વતી, દુર્ગા અને લક્ષ્મીના ઉલ્લેખ ધરાવતા અંતરા પણ મુસ્લિમોને ખરાબ લાગશે એ ડરે કોંગ્રેસ દ્વારા કાઢી નખાયા હતા. ૧૯૩૭માં મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માગણી કરાઈ રહી હતી ત્યારે કોંગ્રેસનું અધિવેશન ફૈઝપુરમાં મળેલું. એ વખતે જવાહરલાલ નહેરૂએ હિંદુ દેવીઓના કારણે મુસ્લિમો વંદે માતરમ્ નહીં ગાય એવો ડર વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે આ ડરને સ્વીકારીને બે અંતરા જ રાષ્ટ્રગીત તરીકે માન્ય રાખ્યા હતા. આ જ વલણ આઝાદી પછી અપનાવીને બે અંતરા સાથેના ગીતને જ રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા મળી.
‘વંદે માતરમ્’ના કારણે ભારતને માતા ગણવાની સારી પરંપરા સ્થાપિત થઈ.
‘વંદે માતરમ્’ આઝાદીની લડત, દેશભક્તિ અને ભારતમાતા તરફના આદરનું પ્રતિક બની ગયું હતું. આ ગીતે ભારતીયોને રાષ્ટ્રને માતાનો દરજ્જો આપવાની પ્રેરણા આપી છે. ભારત આપણા માટે માત્ર દેશ નથી પણ માતા છે, માતૃભૂમિ છે એ વિચાર ‘વંદે માતરમ્’ ગીતના કારણે પ્રસ્થાપિત થયો. આ વિચારનું શ્રેય કોંગ્રેસી નેતા બિપિનચંદ્ર પાલને જાય છે. ૧૮૫૭ના વિપ્લવ પછી દેશમાં હતાશાનો માહોલ હતો ત્યારે બંગાળીઓએ આખા ભારતનાં લોકોમાં દેશપ્રેમની આગ ફરી ભડકાવવા માટે નવા નવા વિચારો વહેતા કર્યા હતા.
આ પૈકી એક વિચાર ભારત માતાનો હતો.
આ વિચાર રમતો મૂકવાનું શ્રેય બંગાળી લેખક કિરણચંદ્ર બેનરજીને જાય છે. કિરણચંદ્રે લખેલું ભારત માતા નાટક ૧૮૭૩માં પહેલી વાર ભજવાયું. તેના કારણે એક રાષ્ટ્ર તરીકે ભારતના વિચારને બળ મળ્યું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ૧૮૮૨માં લખાયેલી નવલકથા આનંદમઠમાં ભારતને રાષ્ટ્ર માનવાના વિચારને વધારે અસરકારક રીતે રજૂ કરાયો. બંકિમચંદ્રની નવલકથાનું ‘વંદે માતરમ્’ ગીત ભારતને માતા ગણીને તેની તરફ આદર વ્યક્ત કરતું હતું તેથી આઝાદીની લડતમાં રાષ્ટ્રગીત બની ગયેલું.
લાલ, બાલ, પાલની ત્રિપુટીના બિપિનચંદ્ર પાલે ભારત માતાના વિચારને હિન્દુત્વના વાઘાં પહેરાવ્યા. અબનિન્દ્રપાલ ટાગોરે ભારત માતાનું ચિત્ર બનાવી આ વિચારને મૂર્તિમંત કર્યો અને એ રીતે ભારત માતાની એક છબિ સર્જાઈ. આપણે ત્યાં એવી માન્યતા છે કે ભારત માતાનો વિચાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુવાદી સંગઠનોએ આપ્યો. આ માન્યતા સાવ ખોટી છે. ભારત માતા સંઘનો કે હિન્દુવાદનો વિચાર નથી પણ બંગાળની ભૂમિમાંથી ઉદ્ભવેલો વિચાર છે.
રવિન્દ્રનાથ ટાગોરના ભત્રીજા અબનિન્દ્રપાલ ટાગોરે બનાવેલી તસવીરમાં ભારત માતા ભગવા કલરનાં વસ્ત્રોમાં સજ્જ અને હાથમાં વેદ સાથે હતાં. ભારત માતાની આ છબિએ લોકોના માનસ પર મોહિની કરી અને ભારત માતાની તસવીર લોકોના માનસમાં તરત જ જડાઈ ગયેલી.
ભારતીય દેવીઓની જેમ ચાર હાથ ધરાવતાં ભારત માતાને સ્વામી વિવેકાનંદનાં સાથી સિસ્ટર નિવેદિતાએ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક ગણાવેલાં. ભારત માતા ચાર હાથે ભારતવાસીઓને શિક્ષા, દિક્ષા, અન્ન અને વસ્ત્ર આપે છે એવી મધુર કલ્કપના તેમણે કરી હતી. ભારત માતાનાં અલગ અલગ સ્વરૂપો એ પછી રજૂ કરાયાં છે. ક્યારેક દુર્ગા માતાના સ્વરૂપમાં તો ક્યારેક હાથમાં તિરંગા સાથે રજૂ કરાયેલાં ભારત માતા લોકોને આકર્ષે છે પણ સૌથી મનોરમ્ય છબિ તો અબનિન્દ્રપાલ ટાગોરે બનાવેલી તસવીર જ છે. અબનિન્દ્રપાલ ટાગોરની ભારત માતાની છબિને સૌએ વખાણી છે કેમ કે આ છબિ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે.
વંદે માતરમ્ને કોમવાદી ગણાવવાના પ્રયત્નો પણ થયા પણ ફળ્યા નથી. મુસ્લિમોનો એક વર્ગ વંદે માતરમ્ને હિંદુત્વનો ભાગ ગણાવે છે પણ આ વાત ખોટી છે. વંદે શબ્દ સંસ્કૃત શબ્દ ‘વંદ’માંથી આવ્યો છે. જે ઋગ્વેદ અને અન્ય વૈદિક ગ્રંથોમાં આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. , ‘વંદ’ નો અર્થ ‘પ્રશંસા કરવી, ઉજવણી કરવી, સન્માન દર્શાવવું, શ્રદ્ધાંજલિ આપવી, આદરપૂર્વક સલામ કરવી’, અથવા ‘આદરપૂર્વક, પૂજન કરવું, પૂજા કરવી, પૂજવું’, અથવા ‘કોઈપણ વસ્તુને આદરપૂર્વક અર્પણ કરવી’ એવો થાય છે. માતરમ્ શબ્દનો મૂળ ઇન્ડો-યુરોપિયન ભાષામાં માતર- ( સંસ્કૃત ), મેટર ( ગ્રીક ), મેટર ( લેટિન ) માં છે જેનો અર્થ ‘માતા’ થાય છે. મુસ્લિમોને વાંધો વંદે શબ્દ સામે છે કેમ કે ઈસ્લામમાં મૂર્તિપૂજાની મનાઈ છે પણ વંદે માતરમ્ને મૂર્તિ પૂજા સાથે કંઈ લેવાદેવા નથી. કોઈ પણ ધર્મમાં માતાને આદર આપવા સામે વાંધો લેવાયો જ નથી તેથી વંદે માતરમ્ સામેનો વાંધો વાહિયાત છે.
વંદે માતરમ્નો અર્થ શો ?
રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના જે બે અંતરા આપણે ગાઈએ છીએ તેનો અર્થ મોટા ભાગનાં લોકોને ખબર નહીં હોય. ભારત સરકારના રાષ્ટ્રીય પોર્ટલ પર મહર્ષિ અરવિંદ દ્વારા કરાયેલા અનુવાદને માન્ય ગણાયો છે. આ અનુવાદ નીચે પ્રમાણે છે.
માતા, હું તને નમન કરું છું!
તારા વહેતા પ્રવાહોથી સમૃદ્ધ,
તારા બગીચાના ચમકારાથી તેજસ્વી,
આનંદના પવનોથી ઠંડુ,
ઘેરા ખેતરો લહેરાતા,
શક્તિની માતા,
મુક્ત માતા.
ચાંદનીના સપનાઓનો મહિમા,
તારી ડાળીઓ અને પ્રભુના પ્રવાહો ઉપર,
તારા ખીલેલા વૃક્ષોમાં સજ્જ માતા,
આરામ આપનાર,
નીચી અને મીઠી હસતી માતા,
હું તારા પગ ચુંબન કરું છું,
મધુર અને ધીમે બોલતી માતા,
હું તને નમન કરું છું.
sanjogpurti@gmail.com







































