ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલને ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના ‘મહાદેવ એપ’ કેસમાં એક મોટી સફળતા મળી છે. આ કેસમાં ફ્રેન્ચાઇઝી આપનાર મુખ્ય આરોપીઓમાંના એક એવા જયસિંહ શંકરાજી ચૌહાણની અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે.જયસિંહ ચૌહાણ વિરુદ્ધ અગાઉ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું.એસએમસીની સતર્કતાને કારણે, આરોપી જયસિંહ જ્યારે ફ્લાઇટ નંબર ઇકે ૫૪૧ મારફતે અમદાવાદથી દુબઈ જવા નીકળ્યો, ત્યારે ઇમિગ્રેશન વિભાગ દ્વારા તેને તાત્કાલિક અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઇમિગ્રેશન વિભાગે ઝડપાયેલા આરોપીને સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપ્યો હતો.એસએમસી દ્વારા આરોપી જયસિંહ શંકરાજી ચૌહાણની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ, જયસિંહ ચૌહાણ ગેરકાયદેસર મહાદેવ એપ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવતો હતો. તે મહાદેવ એપના માલિક સૌરભ ઉર્ફે મહાદેવ ચંદ્રકર પાસેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની ફ્રેન્ચાઇઝી લઈને આગળ આપતો હતો. આ ફ્રેન્ચાઇઝીના માધ્યમથી મોટા પાયે ગેરકાયદેસર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમાતો હતો.ગેરકાયદેસર મહાદેવ બેટિંગ એપ સટ્ટાના આ મોટા કેસમાં ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી સતત ચાલુ છે. જયસિંહ ચૌહાણની ધરપકડ સાથે, આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૩૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.એસએમસીએ જયસિંહ ચૌહાણની ધરપકડ કરીને કેસની આગળની તપાસ હાથ ધરી છે, જેમાં તેના અન્ય સાથીદારો અને સમગ્ર નેટવર્કની વિગતો બહાર આવે તેવી સંભાવના છે.








































