માવઠાને કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન સામે વળતર અપાવવા ગુજરાત કાંગ્રેસની જિલ્લા વાઇઝ આક્રોશ યાત્રા શનિવારે અમરેલી પહોંચી હતી. આ તકે યોજાયેલી જનસભામાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા ખેડૂતના દેવા માફ થવા જોઇએ તેવી માગણી થઇ હતી. સરકારે જાહેર કરેલી સહાયને લોલીપોપ પેકેજ ગણાવ્યું હતું. જનસભા બાદ રેલી રાજકમલ ચોકથી કલેકટર કચેરી સુધી યોજાઈ હતી. બાદમાં કલેકટરને આવેદન આપવામાં આવેલ જેમાં પેકેજને બદલે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરાઈ હતી. આ રેલીમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહાનુભાવો તરીકે શક્તિસિંહ ગોહિલ (પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તથા રાજ્યસભા સાંસદ), પ્રતાપભાઈ દુધાત (પ્રમુખ, અમરેલી જિલ્લા કોંગ્રેસ), પરેશભાઈ ધાનાણી (પૂર્વ વિરોધ પક્ષ નેતા), જેનીબેન ઠુમ્મર, માનસિંહભાઈ ડોડીયા (યુથ કોંગ્રેસ પ્રદેશ), લલિતભાઈ વસોયા, કનુભાઈ બારૈયા, ઠાકરશીભાઈ મેતલિયા (પૂર્વ ધારાસભ્યો), અમિતભાઈ ઠુમ્મર, ડી.કે. રૈયાણી, અર્જુનભાઈ સોસા, લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલીયા, જે.ડી. કાછડ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિઓના આગેવાનો-કાર્યકર્તાઓ તથા જિલ્લાના દરેક તાલુકાઓમાંથી ખેડૂત ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. મહાનુભાવોએ ઉગ્ર ભાષણો દ્વારા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે, ખેડૂતોના પ્રાણપ્રશ્નો તથા થયેલ તારાજી સામે ન્યાય મળ્યા વગર આ લડત અટકશે નહીં.







































